Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સુરતના પુણાગામ સ્થિત રહેતા લોકોને લોન આપવાની લાલચ આપી 7.37 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: પુણાની માતૃશક્તિ સોસાયટીમાં ઓફિસ ધરાવતા લોન એજન્ટે નેવી ફાઇનસર્વ અને મોબી ક્વીકમાંથી લોન અપાવવાની લાલચ આપી 15થી વધુ લોકોની લોન મંજૂર કરાવી લોનની રકમ બારોબાર પોતાના બેંક એકાઉન્ટનામાં ટ્રાન્સફર કરાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાય છે. પુણાગામ સ્થિત સત્યનારાયણ સોસાયટીમાં રહેતા રત્નકલાકાર સંજય કાળુભાઇ કાકડીયા (ઉ.વ. 40 મૂળ રહે. જરખીયા, તા. લાઠી, જિ. અમરેલી) એ લોક્ડાઉન અંતર્ગત આર્થિક સંક્ડામણ ઉભી થતા નેવી ફાઇનસર્વ પ્રા. લિ. અને મોબી ક્વીક કંપનીના લોન એજન્ટ વિજય વલ્લભ ઉનાગર (ઉ.વ. 30 રહે. હરિકૃષ્ણ એપાર્ટમેન્ટ, અક્ષરધામ સોસાયટી, પુણાગામ અને મૂળ. ચલાલા, તા. ધારી, જિ. અમરેલી) ની મદદથી રૂ. 65 હજારની પર્સનલ લોન મંજૂર કરાવી કમિશન પેટે રૂ. 7600 ચુકવ્યા હતા. ઓગસ્ટ 2021માં સંજયે પુત્રીના અભ્યાસ માટે પુનઃ પર્સનલ લોન માટે વિજયનો સંર્પક કરતા તેણે સંજયના મોબાઇલમાં નેવી ફાઇનસર્વની એપ્લિકેશનમાં લોનની પ્રોસેસ કરી હતી. વિજયે સંજયને બેંક એકાઉન્ટમાં રૂ. 1 લાખની બેલેન્સ બતાવવી પડશે, હું મારા મિત્રના ખાતામાંથી બેલેન્સ ટ્રાન્સફર કરાવું છું કહી લોન મંજૂર કરાવી દીધી હતી. ત્યાર બાદ બે દિવસમાં અડાજણ ખાતે મેઇન બ્રાંચમાં ચેક લેવા જવું પડશે એમ કહેતા સંજય ઘરે ગયો હતો. ઘરે જઇ સંજયની પુત્રીએ મોબાઇલ ચેક કરતા લોનની રકમ રૂ. 85,900 મંજૂર થઇ હોવાનું અને તે રકમ વિજયે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી હોવાનું જણાવતા સંજય ચોંકી ગયો હતો. સંજયે ઉઘરાણી કરતા વિજયે રૂ. 35 હજાર તેના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા પરંતુ બાકી રૂ. 50,900 માટે વાયદા પર વાયદા કર્યા હતા. આ રીતે વિજયે ડઝનથી વધુ લોકો પાસેથી રૂ. 7.31 લાખ ખંખેરી લીધા છે.

 

(5:34 pm IST)