Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

નડિયાદમાં વોર્ડ નં.3આ સફાઈના અભાવે ઠેર ઠેર કચરાના ઢગલાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય

નડિયાદ : નડિયાદ શહેરના ત્રણ વોર્ડમાં સફાઈના અભાવે ઠેર ઠેર કચરાના ઢગલા થવાથી રોગચાળો ફાટી નિકળવાની ભીતિ વ્યાપી છે. રહીશોમાં તંત્ર સામે આક્રોશ પણ વધી રહ્યો છે. આ વિસ્તારમાં તહેવારો સમયે સફાઈ કરાવવામાં આવે તેવી માંગણી રહીશો કરી રહ્યાં છે. 

નડિયાદ શહેરની વસ્તી અને વિસ્તારમાં દિન પ્રતિદિન વધારો થઇ રહયો છે. શહેર નગરપાલિકા મહાનગરપાલિકા બનવા તરફ જઈ રહી છે ત્યારે શહેરના અન્ય વિસ્તારોની જેમ વોર્ડ નંબર ચાર, પાંચ અને છમાં નિયમિત સફાઈ કરાવવા તેમજ આ વિસ્તારની સોસાયટીઓમાં પાકા રસ્તા બનાવવા નગરપાલિકાના સભ્યએ માંગણી કરી છે. શહેરના આ ત્રણ વોર્ડના વિસ્તારોમાં નિયમિત સફાઈ થતી નથી. પિલવાઇ તળાવ, ભોજા તલાવડી તથા મુલેશ્વર તળાવની આજુબાજુ ઠેર ઠેર કચરો અને ગંદકી ઠાલવવામાં આવી રહી છે. જેથી આ તળાવ પર કચરાના ઢગલા ખડકાયા છે. વિસ્તારમાં સફાઈના અભાવે ગંદકીથી અસહ્ય દુર્ગંધ પણ ફેલાઇ રહી હોવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કચરાના ઢગલાના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ત્યારે વોર્ડ નંબર છના પાલિકા સભ્ય માજીદખાન પઠાણે પાલિતાતંત્રમાં રજુઆત કરીને માંગ કરી છે કે આ વિસ્તારોમાં નિયમિતપણે ડોર ટુ ડોર કચરો લેવા આવતા વાહનની વ્યવસ્થા કરવી જોઇએ. વધુમાં કચરો ઠાલવવામાં આવતા તળાવો પુરાઈ રહ્યા છે. જેથી ચોમાસામાં તળાવ ઓવરફ્લો થાય છે. આ તળાવોને સુજલામ સુફલામ યોજના હેઠળ માટી ખોદી ઉંડા કરવા તેમજ તળાવ ની ચારે બાજુ પ્રોટેક્શન વોલ બનાવવા માંગણી કરી છે.  આ ઉપરાંત વોર્ડ નં.૪,૫,અને ૬ માં આવેલ મોટાભાગ ની સોસાયટીઓમા ઉબડ ખાબડ રસ્તા છે આ સોસાયટીઓમા પાકા રસ્તા બનાવવા પાલીકા સભ્યએ માંગણી કરી છે.

(5:34 pm IST)