Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી : આગામી ત્રણેક દિવસ લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધી થશે ઘટાડો

માવઠાને કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાનની ભિતી: શિયાળામાં કોરોના અને સ્વાઈનફ્લુનું સંક્રમણ વધવાની દહેશત

અમદાવાદ :શિયાળાની ઋતુ ધીમા પગલે પગરવ માંડી રહી છે. દિવસે દિવસે ફૂલ ગુલાબી ઠંડીનો પ્રભાવ વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના અમુક ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ છે. તેની સાથે આગામી ત્રણેક દિવસમાં લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જેથી આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.મોરબી અને ચોટીલામાં હળવો વરસાદ થતાં ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો ઝુંટવાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ઉત્તર પાકિસ્તાન તરફના વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે હવામાન ખાતે આજે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે. રાજ્યના બાકીના ભાગોમાં વાતાવરણ સુક્કુ રહેશે. બીજી તરફ સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21 અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. આગામી ત્રણેક દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.

મેદાની વિસ્તારોમાં ફૂંકાયેલા પવનોની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને સંઘ પ્રદેશ દિવ તથા દમણમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાને લીધે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં વાતાવરણ સુક્કુ જોવા મળશે. આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારોમાં વાતાવરણ સુક્કુ જોવા મળશે.

(10:58 am IST)