Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કરજણના આરોગ્ય સેવિકા હેતલબેનનો કર્યો ઉલ્લેખ

હેતલબેન છેલ્લા દશ મહિનાથી સતત કોરોના રસી મૂકવાની સેવામાં વ્યસ્ત :પર્વો, ઉત્સવો, જાહેર રજાઓ બધું જ ભૂલીને લોકોને રસી મૂકી રહ્યાં છે: સાસુ – સસરાને બિમારી આવી,નાના બાળકોની સંભાળ લેવાની મુશ્કેલીઓ જેવી કૌટુંબિક બાબતોને મેનેજ કરીને રસી મૂકવાની ફરજને સતત અગ્રતા આપી

અમદાવાદ :વડાપ્રધાન મોદીએ આજે મન કી બાત પ્રસારણમાં કરજણના અર્બન હેલ્થ સેન્ટરમાં સેવિકા હેતલબેનનો ખાસ ઉલ્લેખ કરીને,100 કરોડ કોરોના રસીકરણની રાષ્ટ્રીય જ્વલંત સિદ્ધિમાં આવા પાયાના આરોગ્ય કર્મયોગીઓના યોગદાનને દિલથી બિરદાવતા,જિલ્લા આરોગ્ય પરિવાર પ્રોત્સાહિત થયો છે.

આ અંગે જાણકારી આપતાં કરજણ તાલુકા આરોગ્ય અધિકારી અને તબીબી અધિક્ષક ડો. પ્રશાંતસિંઘે જણાવ્યું કે હેતલબેન રસીકરણની શરૂઆતથી એટલે કે છેલ્લા દશ મહિનાથી સતત કોરોના રસી મૂકવાની સેવાઓ આપી રહ્યાં છે.પર્વો, ઉત્સવો, જાહેર રજાઓ બધું જ ભૂલીને તેઓ લોકોને રસી મૂકી રહ્યાં છે.

આ સમયગાળામાં તેમના પરિવારમાં તકલીફ સર્જાઈ, સાસુ – સસરાને બિમારી આવી,નાના બાળકોની સંભાળ લેવાની મુશ્કેલીઓ જેવી કૌટુંબિક બાબતોને મેનેજ કરીને તેઓ રસી મૂકવાની ફરજને સતત અગ્રતા આપી રહ્યાં છે.તેઓ દૈનિક અંદાજે 200 લોકોને રસી મૂકે છે. એક અંદાજ પ્રમાણે તેમણે 24 હજારથી વધુ લોકોને પહેલા અથવા બીજા ડોઝની રસી મૂકી છે. જેમણે હેતલબેન પાસે રસીના બંને ડોઝ મુકાવ્યા છે એવા લોકો પ્રધાનમંત્રી દ્વારા તેમની સેવાઓને બિરદાવવામાં આવતાં ખુશી અનુભવી રહ્યાં છે. તેની સાથે તેમણે રસી લેવાની જાગૃતિનો લોકોમાં સંચાર કરવાનું કામ પણ કર્યું છે. તેમણે લોકોના મનમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતાઓનું સમજાવટ દ્વારા નિવારણ કરીને રસી લેવા માટેનો લોકોનો ઉત્સાહ વધાર્યો છે. અમે તેમની સિદ્ધિ થી ગૌરવ અનુભવીએ છે.

જિલ્લા આરોગ્ય તંત્રના કેટલાંક કર્મયોગીઓએ કોરોના રસી મૂકવામાં અદભૂત નિષ્ઠા બતાવી છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે,આ કર્મયોગીઓમાં હેતલબેન મોખરે રહ્યાં છે અને આખા જિલ્લા આરોગ્ય પરિવારને તેમણે ગૌરવ અપાવ્યું છે.

દેશના વડાપ્રધાન દ્વારા તેમની યશસ્વી કામગીરીનો ઉલ્લેખ રાષ્ટ્રીય પ્રસારણમાં કરવામાં આવ્યો,તેનાથી પ્રોત્સાહિત થયેલા હેતલબેને જણાવ્યું કે, વડાપ્રધાનના પ્રોત્સાહનથી ભારતે 100 કરોડ લોકોને કોરોના રસી આપીને વિશ્વ વિક્રમ કર્યો.આ પ્રક્રિયામાં હું મારી સહ ભાગીદારીનો ગર્વ અનુભવું છું. પરિવાર અને સાથીઓના સહયોગથી હું આ કામ સતત કરી શકી છું.

કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી.એટલે જે લોકો બાકી છે એ બધાં જ સમયસર રસી મૂકાવી લે અને માસ્ક પહેરવા સહિત કોવિડ અટકાવવાની તકેદારીઓ પાળે એવી લાગણી તેમણે વ્યક્ત કરી છે

(11:18 pm IST)