Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

નવરાત્રીના ગરબા બંધ કરાવવા મુદ્દે યુવતીને ધમકી: હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ: DCPની આકરી કાર્યવાહી

રાણીપના માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પિંકસીટી એપાર્ટમેન્ટમાં પોલીસ બોલાવી ગરબા બંધ કરાવનાર વૃદ્ધની પુત્રીને ધમકી આપી હતી

અમદાવાદ: રાણીપના પિંકસીટી એપાર્ટમેન્ટમાં પોલીસ બોલાવી ગરબા બંધ કરાવનાર વૃદ્ધની પુત્રીને ધમકી આપનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશસિંહ પરમારને ઝોન ડીસીપી વિજય પટેલે સસ્પેન્ડ કર્યો છે. કોરોના કેસ વધતા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવી ચૂકેલા પિંકસિટીમાં સરકારી હુકમના ધજીયા ઉડાડી લોકોએ ગરબા કરતા સિનિયર સિટિઝને પોલીસ કંટ્રોલમાં કોલ કર્યો હતો. રાણીપ પોલીસે સ્થળ પર પહોંચી ગરબા બંધ કરાવ્યા હતા. ગરબા બંધ થવાથી સોસાયટીમાં રહેતાં પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિંહ સહિતના લોકો નારાજ થયા હતા. પોલીસ જવાને કંટ્રોલમાં ફોન કરનાર વૃદ્ધની દીકરીને ધમકી આપી કે, “તારા પપ્પાએ ગરબા બંધ કરાવ્યા, હું પણ તેઓ દારૂ પીશે ત્યારે કંટ્રોલમાં ફોન કરીશ.” બાદમાં બીજા દિવસે અન્ય વ્યક્તિએ ટોળાં કરી ફરી યુવતીને ધમકી આપી હતી. સતત ધમકીઓથી ત્રસ્ત યુવતીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલો ધ્યાન પર આવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશસિંહ પરમારને ગત શુક્રવારે રાત્રે જ સસ્પેન્ડ કરવાનો હુકમ ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો.

બનાવની વિગત મુજબ રાણીપના પિંકસીટી એપાર્ટમેન્ટમાં રહેતાં હેતલબહેન યોગેશભાઈ દવેએ સાબરમતી પોલીસ સ્ટેશનના જવાહર ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુરેશસિંહ પરમાર અને નીતિન પંચાલ વિરુદ્ધ અપશબ્દો બોલી ધાકધમકી આપવા અંગેની ફરિયાદ રાણીપ પોલીસમાં નોંધાવી હતી.

ફરિયાદની વિગત મુજબ ગત તા. 19 મીના રોજ માતાજીની આરતી પુરી થયા બાદ લોકો ગરબા રમવા લાગ્યા હતા. આ અંગે હેતલના પિતા 65 વર્ષીય યોગેશ દવેએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગરબા બંધ કરાવી દિધા હતા.

બીજા દિવસે પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિંહ પરમારે યોગેશભાઈની પુત્રી હેતલને ધમકી આપી હતી કે, તારા પપ્પા નવરાત્રી અંગે પોલીસમાં ફોન કરે છે ને, હવે હું પણ તેઓ દારૂ પીધેલા હશે ત્યારે કંટ્રોલમાં ફોન કરીશ.

બીજા દિવસે નિતિન પંચાલએ આવી કેમ ગરબા થવા દેતા નથી. તેમ કહી ધાકધમકી આપી હતી. નિતીનના સમર્થનમાં બીજા લોકો પણ આવી ગયા અને હેતલબહેન સાથે ઝઘડો કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ અંગે હેતલ દવેએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(6:01 pm IST)