Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

આઠમના હોમ-હવન અને યજ્ઞ: શ્રદ્ધાળુ ભક્તોમાં માઈ ભક્તિનો માહોલ છવાયો

માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, હોમ-હવન અને નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

 

અમદાવાદ : નવરાત્રિ પર્વની સૌથી અનેરૂ, ચમત્કારિક અને શાસ્ત્રોક્ત મહાત્મ્ય ધરાવતી આઠમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારમાં અંબાજી સહિતના માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, હોમ-હવન અને નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર, ધનાસુથારની પોળના 800 વર્ષ જૂના અતિપ્રાચીન અંબાજી માતાના મંદિર, ભુલાભાઈ પાર્કના બહુચરાજી માતાજી, માધુપુરા અંબાજી માતા, દૂધેશ્વર સ્થિત મહાકાળી માતા, સોલા રોડ પર ચાંદની એપાર્ટમેન્ટ ખાતે આવેલા અંબાજી માતા સહિતના વિવિધ મંદિરોમાં આજે આઠમ નિમિત્તે માતાજીના અદભુત સાજ શણગાર, હોમ-હવન અને મહાયજ્ઞ તેમજ શ્રદ્ધાળુ ભક્તો માટે વિશેષ પ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું.

જો કે વર્ષે કોરોના મહામારીના કારણે વિવિધ અંબાજી મંદિરોમાં સરકારની ગાઈડલાઈન અને માર્ગદર્શિકાઓનું પણ ચુસ્તપણે પાલન કરવાનો પ્રયાસ થયો હતો. પરંતુ તે વચ્ચે પણ ભક્તોની શ્રધ્ધા અને આસ્થા માઈ ભક્તિની સ્પષ્ટ પ્રતીતિ કરાવતી હતી.

નવરાત્રિ દરમિયાન અષ્ટમીની પૂજા આરાધનાનું વિશેષ અને ચમત્કારિક મહાત્મ્ય હોવાથી શહેરના માતાજીના મંદિરોમાં આજે આઠમને લઇ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા જેને લઈને માતાજીની ભક્તિનો માહોલ છવાયો હતો.

આજે શનિવારના રોજ આઠમ નિમિત્તે વિવિધ અંબાજી મંદિરોમાં માતાજીના મહાગૌરી સ્વરૂપે ખાસ પૂજા-અર્ચના કરવામાં આવી હતી તો કેટલાક મંદિરોમાં આજે આઠમ નોમ ભેગી ગણીને પણ માતાજીની મહાગૌરી સ્વરૂપની સાથે સિદ્ધિદાત્રી સ્વરૂપની પણ ખાસ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તો વળી શહેરના 800 વર્ષ જૂના અતિપ્રાચીન ધનાસુથારની પોળના અંબાજી મંદિર ખાતે તો વર્ષે માતાજી ખોળામાં કળશ લઈને બેઠા હોય એવા અદભુત લક્ષ્મીજી સ્વરૂપમાં દર્શન આપતા હતા અને ભકતો પણ માતાજીનું મનોહર અને નયનરમ્ય રૂપના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા.

(1:24 am IST)