Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ELTSના ખોટા સર્ટી સાથે અમેરિકામાંથી વધુ 7 ગુજરાતી વિદ્યાર્થીઓ ઝડપાયા

આ વિદ્યાર્થીઓ કેનેડાથી ક્યુબેક રૂટથી ન્યુયોર્કમાં પ્રવેશી રહ્યાં હતા :મહેસાણા અને ગાંધીનગરના 7 ગુજરાતી વિદ્યાર્થીઓને US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ ઈન્ફોર્સમેન્ટે ઝડપી પાડ્યા

અમદાવાદ : ELTSના ખોટા સર્ટી સાથે અમેરિકામાંથી વધુ 7 ગુજરાતી વિદ્યાર્થીઓ ઝડપાયા છે. આ વિદ્યાર્થીઓ કેનેડાથી ક્યુબેક રૂટથી ન્યુયોર્કમાં પ્રવેશી રહ્યાં હતા. તમામની પાસે 7થી 8 બૅન્ડના IELTS સર્ટી હતા. મહેસાણા અને ગાંધીનગરના 7 ગુજરાતી વિદ્યાર્થીઓ USAમાં ઝડપી પડાયા. US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ ઈન્ફોર્સમેન્ટે આ વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે.

તમામની પાસેથી IELTSના સર્ટીફિકેટ મળી આવ્યા છે. તેઓ કેનેડાના સ્ટુડન્ટ વિઝાથી કેનેડામાં પ્રવેશ્યા હતા. મહેસાણા અને દિલ્હી એજન્ટ મારફતે તેઓ કેનેડા ગયા હતા. હવે આ તમામ વિદ્યાર્થીઓને અમેરિકાની કોર્ટમાં હાજર કરાશે. જણાવી દઇએ કે, આ તમામ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા નહોતી આવડતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ IELTSની પરીક્ષા આપી વધુમાં વધુ બેન્ડ મેળવી વિદેશ જવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં મહેસાણા જિલ્લાના માંકણજ, ધામણવા, સાંગણપુર અને રામનગર ગામના 4 યુવાનો કેનેડાથી અમેરિકામાં ઘૂસ મારતા ઝડપાયા હતા. IELTS બૅન્ડના કૌભાંડનો પર્દાફાશ થતા મહેસાણા SOGએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા SOGએ હાથ ધરેલી તપાસમાં કેનેડા મોકલનાર બે એજન્ટો અને બૅન્ડ મેળવી આપનાર એજન્ટની પૂછપરછ કરાતા IELTS બૅન્ડમાં મોટા માથાના નામ ખુલવાની સંભાવના છે.

મહેસાણા જિલ્લામાંથી કેનેડા અને કેનેડાથી અમેરિકા મોકલવાની માનવ તસ્કરી થતાં હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે શિક્ષિત પણ ઠોઠ નિશાળીયા યુવાનોને IELTSની પરીક્ષા અપાવી 8 બેન્ડના સર્ટિફિકેટ આપી સુશિક્ષિત અને કાબેલ બતાવી કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરાવવાનો ઘટસ્ફોટ અમેરિકાની પોલીસે પકડતા થયો છે.

(3:50 pm IST)