Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

રાસ-ગરબાના સ્થળ બહાર ટ્રાફિક જામ થશે તો લાયસન્સ કરાશે રદ: આયોજકો માટે પોલીસે બનાવ્યા આકરા નિયમ

ગરબા સ્થળેથી પાર્કિંગ 100 મીટર દૂર રાખવું પડશે : જો ટ્રાફિક જામ થશે તો લાયસન્સ રદ કરી ગરબા બંધ કરાવાશે

અમદાવાદ :બે વર્ષ પછી ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રીની મજા માણી શકશે. હવે નવરાત્રીને આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો બાકી રહ્યા છે.આ વખતે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ સહિત 70થી વધુ જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવામાં નવરાત્રીમાં ગરબાના આયોજકો માટે પોલીસ વિભાગે નિયમો બનાવ્યા છે.

અમદવાદના એસજી હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન રોડ ઉપર તેમજ જીએમડીસી ખાતે મોટા પાયે રાસ - ગરબાનું આયોજન કરાયું છે. ત્યારે પોલીસે દરેક ગરબાના આયોજકો સાથે મિટિંગ કરી હતી. તમામને કેટલાક નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.

આ અંગે ટ્રાફિક પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, જો કોઈ રાસ-ગરબાના સ્થળની બહાર રોડ ઉપર ટ્રાફિક જામ થશે તો પોલીસ તે રાસ - ગરબાની મંજૂરી રદ કરશે. પાર્કિંગની જગ્યા ગરબા સ્થળથી ઓછામાં ઓછી 100 મીટર દૂર હોવી જોઈએ. સાથે વાહન પાર્ક કરવા માટે સ્વયંસેવકો રાખવા પડશે.

 

તેમણે જણાવ્યું કે, આયોજકોએ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર અને પાર્કિંગ એરિયામાં હાઈ રિઝોલ્યુશનવાળા સીસીટીવી કેમેરા લગાવવા પડશે. સાથે ગરબાના સ્થળે લેડિઝ - જેન્ટસ સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવા ફરજિયાત છે.

મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, કોઇ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ રીતે વાહન પાર્ક કર્યું હશે તો સતત ફરતી ક્રેન વાહન ટો કરી જશે. શહેરભરમાં પોલીસ 1 હજાર બ્રેથ એનેલાઈઝરથી સજ્જ રહેશે, ટ્રાફિક પોલીસની સાથે સ્થાનિક પોલીસના જવાનો બ્રેથ એનેલાઈઝરથી લોકોને ચેક કરશે.

ગરબા આયોજકો માટે શું છે નિયમ?
- ગરબાની મંજૂરી લેનારા આયોજકો માટે પોલીસે બનાવ્યા કડક નિયમો
- આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે
- પાર્કિંગ ગરબાના સ્થળથી 100 મીટર દૂર રાખવું પડશે
- વાહન પાર્ક કરાવવા માટે આયોજકોએ રાખવા પડશે સ્વયંસેવકો
- ગરબાના સ્થળની બહાર ટ્રાફિક જામ થવા પર ગરબાની મંજૂરી કરાશે રદ
- ગરબા સ્થળે મહિલા અને પુરૂષ સિક્યુરિટી ગાર્ડ ફરજિયાત
- પાર્કિંગ એરિયા અને એન્ટ્રી- એક્ઝિટ પોઈન્ટ કવર થાય તે રીતે CCTV લગાવવા
- સ્ટેજ પરથી અશ્લીલ ગીતો ગાઈ શકાશે નહીં

 

(1:10 pm IST)