Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ટ્રક અમદાવાદથી બેંગલુરુ સુધી પહોંચતા 23 હજાર રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવો પડે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરાઈ:આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં PIL પણ કરવામાં આવી

અમદાવાદ : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા BOT સિસ્ટમથી તૈયાર થયેલા અને ગુજરાતમાંથી પસાર થતા વડોદરા અને મુંબઈ વચ્ચેના તૈયાર કરવામાં આવેલ ૬ રોડ માટે કરાયેલા રોકાણ અને નક્કી કરેલા દર મુજબ ટોલ ટેક્સ વસૂલ કરવાની મુદત વીતી ગઈ હોવા છતાં અને નક્કી કરાયા મુજબ રિકવરી થઈ ગઈ હોવા છતાં ૧૦૦ ટકા ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.

તેના કારણે ટ્રાન્સપોર્ટર્સ પર ૨૦ ટકાનો ખર્ચ બોજ પડે છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા આ ટોલ ટેક્સ ૧૦૦ ટકાને બદલે નક્કી કરાયા મુજબ ફક્ત મેઈન્ટેનન્સ હેતુસર ૪૦ ટકા વસૂલવા અંગે NHAI સમક્ષ રૂબરૂ અને લેખિત રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. એસોસિયેશનની રજૂઆત એવી પણ છે કે જો ટ્રક અમદાવાદથી નીકળીને બેંગલુરુ જાય તો તેને બેંગલુરુ સુધી પહોંચતા 23 હજાર રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવો પડે છે હવે જેને લીધે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી રહ્યો છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ આ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરાઈ છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં PIL પણ કરવામાં આવી છે. તા. ૧૦ ઓક્ટોબરના રોજ મુંબઈ અને ત્યારપછી નવીદિલ્હીમાં યોજાનારી મીટિંગમાં ભાવિ પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે. એસોસિએશનના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ મુકેશ દવે અને ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અમૃતલાલ મદાને જણાવ્યું કે, ગુજરાતમાં ૧૧ લાખ કોમર્શિયલ વાહનો છે અને વડોદરા-સુરત- દહીસરના રોડ પર દરરોજ ૧૧ હજાર વાહનોની અવર જવર થાય છે. હાલોલ- વડોદરા રોડ ૨૦૦૧માં રૂ. ૧૭૦.૪૦ કરોડ અને અડાલજ- મહેસાણા રોડ રૂ. ૩૪૨ કરોડ સહિત કુલ રૂ. ૫૧૩ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા રોડ પર ૨૦૨૧-૨૨ સુધીમાં રૂ. ૨,૧૯૪.૪૭ કરોડની આવક થઈ છે અને શેરહોલ્ડરોને રૂ. ૧૭૫ કરોડનું ડિવિડન્ડ ચૂકવાયું હોવા છતાં હજુ પણ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. આ બંન્ને રોડમાં ખાનગી કન્સેશનરે રૂ. ૭૬૦ કરોડમાં પોતાનો હિસ્સો અન્ય કંપનીને વેચી દઈને વધુ ૧૦ વર્ષ માટે ટોલ ટેક્સ ઉઘરાવવા માગણી કરી છે. અદાણી ગ્રૂપ દ્વારા રૂ. ૩,૧૦૦ કરોડમાં હાલોલ- વડોદરા અને અડાલજ- મહેસાણા રોડ તેમજ આંધ્રપ્રદેશમાં બે રોડ હસ્તગત કરવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ટ્રાન્સપોર્ટરોની નારાજગી માટે કારણભૂત બાબત એ પણ છે કે વડોદરાથી મુંબઈ- દહીસર સુધીના રોડ પરના ૬ ટોલ બુથ પર હજુયે ૧૦૦ ટકા ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. જેમાં કરજણ, ચોર્યાસી, બોરીયાચ, ચારોટી, ભગવાડા, ખાનીવાડેનો સમાવેશ થાય છે.

 

(1:09 pm IST)