Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

કસ્ટોડિયલ ડેથ કેસમાં ત્રણ પોલીસ કર્મીઓની ધરપકડ

નવસારી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસની કાર્યવાહી : ચીખલી પોલીસ બે આરોપીેને ચોરીના ગુનામાં પકડી લાવી હતી જેઓએ પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા કરી હતી

નવસારી , તા.૨૫ : દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં બહુચર્ચિત બનેલા નવસારીનાં ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં નવસારી પોલીસે ત્રણ આરોપી પોલીસકર્મીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા કસ્ટોડિયલ ડેથ મામલે ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે કાર્યવાહી કરતી નવસારી પોલીસે આરોપી અધિકારી સહિત ૩ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચીખલી પોલીસે ૨૧ જુલાઈના રોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના બે આરોપીઓને ચોરીના ગુનાને લઈને ચીખલી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરાઈ હતી. જે અંતર્ગત ૧૯ વર્ષીય સુનિલ પવાર અને રવિ જાદવએ સવારના પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરતાં ચીખલી પોલીસ સ્ટેશન સહિત સમગ્ર જિલ્લા પોલીસ દોડતી થઇ હતી.

સમગ્ર મામલે પોલીસની કામગીરી અને કથિત આત્મહત્યાને લઇને અનેક સવાલો ઊભા થયા હતા. જેમાં પોલીસ અધિકારીઓએ આદિવાસી સમાજને સતત તપાસ અને ન્યાય આપવાની માંગ કરી સમજાવ્યા હતા. ઉપરાંત આદિવાસી સમાજ અને કોંગ્રેસના ચીખલી-વાંસદા ધારાસભ્ય અનંત પટેલે આરોપી પોલીસ અધિકારી અને કર્મચારીઓની ધરપકડ થાય તે માટે આંદોલન પણ કર્યા હતા.

જો કે, હવે ઘટનાના બે મહિના બાદ આરોપી પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નવસારી પોલીસે તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ વાળા અને હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલાને તેમના ઘરેથી બાતમીના આધારે ધરપકડ કરી છે. જ્યારે ગઈકાલ સાંજે વાગ્યે ત્રીજા આરોપી કોન્સ્ટેબલ રામજી ગયાપ્રસાદને પણ ડિટેન કરવામાં આવ્યો હતો.

કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આદિવાસી પરિવારની સાથે સમાજે આવીને આરોપી પોલીસકર્મીઓ ઉપર બે મહિના પહેલા હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી. જો કે, પોલીસે આદિવાસી સમાજનો રોષ પારખીને વિવાદ પર પૂર્ણ વિરામ મુકવા માટે ત્રણ આરોપીની ધરપકડ કરીને સમગ્ર વિવાદ પર હાલ પૂરતો પડદો પાડી દીધો છે. પરંતુ હજુ પણ બે આરોપી પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે.

(9:04 pm IST)