Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

અમદાવાદ એલિસબ્રિજ પોલીસે શેરબજારમાં ગેરકાયદેસર સોદા કરી ડબ્બા ટ્રેડિંગ ચલાવવા 11 શખ્સોને ઝડપી લીધા

પોલીસે જુગરધારા, ધી સિક્યુરિટીઝ કોન્ટ્રાકટ રેગ્યુલેશન એકટ અને ઠગાઈની કલમો ઉમેરી ગુનો નોંધ્યો

અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર શેરબજાર ઉપર સટ્ટો રમાડતા ડબ્બા ટ્રેડરો મોટી માત્રામાં છે. શહેરના પાંજરાપોળ વિસ્તારમાં ધમધમતા ડબ્બા ટ્રેડિંગ પર પોલીસે રેડ કરી હતી. પોલીસે 11 લોકોને ઝડપી પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે એલિસબ્રિજ પોલીસે જુગરધારા, ધી સિક્યુરિટીઝ કોન્ટ્રાકટ રેગ્યુલેશન એકટ અને ઠગાઈની કલમો ઉમેરી ગુનો નોંધ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાંજરાપોળ વિસ્તારમાં જીએસટી ભવનની નજીક આવેલા શ્યામક કોમ્પ્લેક્ષમાં ત્રીજા અને ચોથા માળે શેરબજારમાં ગેરકાયદેસર સોદા કરીને ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવી રહ્યું છે તેવી બાતમી આધારે એલિસબ્રિજ પોલીસે રેડ કરી હતી. પોલીસની રેડમાં બહાર આવ્યું હતું કે, પકડાયેલા ડબ્બા ટ્રેડિંગમાં પણ ખાસ સોફ્ટવેર અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા સટ્ટો રમાડતા હતા. પાંજરાપોળ વિસ્તારમાં આવેલા શ્યામક કોમ્પ્લેક્ષમાં શાશ્વત સ્ટોક બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ જેના માલિક વિકી રાજેશભાઇ ઝવેરી છે ત્યાં અને બીજી ઓફિસ પીનાક સ્ટોક બ્રોકર્સ જેના મલિક સૌમિલ ભાવનગરી છે બન્ને જગ્યા પર મોટા પાયે ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે આ જગ્યાએ રેડ કરી હતી અને બંને માલિકો સહિત 11 વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટરમાં ગેરકાયદેસર મેટા ટ્રેડર્સ 5 એપ્લિકેશન દ્વારા સેબીની જાણ બહાર શેરબજારમાં શેરની લે વેચના સોડા કરીને ડબ્બા ટ્રેડિંગનો જુગર રમાડતા હતા. પોલીસને આ રેડ દરમિયાન 18.52 લાખ રોકડ, 20 મોબાઈલ, 4 લેપટોપ, 2 પૈસા ગણવાના મશીન, અને 10 સિપિયુ એમ કુલ મળીને 22.99 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો હતો.

પકડાયેલા થયેલા આરોપીઓની યાદી
1. વિકી રાજેશભાઈ ઝવેરી (રહે. માણેકબાગ)
2. જીગર ઉમાકાન્ત ભાઈ શાહ (રહે. પાલડી)
3. રાજેન્દ્ર ભોગીલાલ શાહ (રહે. નવાવાડજ)
4. જીગ્નેશ શાહ (રહે. નવાવાડજ)
5. વિપિન દેસાઈ (રહે. આંબાવાડી)
6. શીતલ ચોકસી (રહે. સેટેલાઈટ)
7. દેવાંગ શાહ (રહે. સેટેલાઈટ)
8. સૌમિલ ભાવનગરી (રહે. સેટેલાઈટ)
9. રૂપક શાહ (રહે. ન્યુ વાસણા)
10. તેજસ ભાવનગરી (રહે. સેટેલાઈટ)
11. જયેશભાઇ મકવાણા (રહે. ચાંદખેડા)
અગાઉ પણ એક ડબ્બા ટ્રેડિંગનું ગેરકાયદે રેકેટ ચલાવનાર શખશના ત્યાં એક એજન્સીએ રેડ કરી હતી. રેડ કરી રાતોરાત જામીન અને આગળની તપાસ ન કરવા માટે મોટી ગોઠવણ કરી હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી હતી. જોકે અમુક ઉચ્ચ અધિકારીઓના ખાસ કહેવાતા અધિકારીએ જ ગોઠવણ કરી હોવાથી આ અંગે જાણતા હોવા છતાં કોઈ પગલાં ન લીધા હતા. જોકે બાદમાં આ વ્યક્તિને ફરી શેરબજારનો સટ્ટો ચલાવવા પરવાનગી આપી હોવાની ચર્ચા છે.

(7:44 pm IST)