Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

અમદાવાદમાં 11 વર્ષની બ્રેઇન ટયુમરથી પીડાતી ફલોરા આસોડિયાની ઇચ્‍છા નેહા કક્કરે પુરી કરીઃ જન્‍મદિન નિમિત્તે વીડિયો મોકલીને શુભેચ્‍છા પાઠવી

કલેકટર તંત્ર દ્વારા નેહા કક્કરના પિતાનો સંપર્ક કરીને સંવેદનશીલ પહેલ કરી

અમદાવાદ:મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે.  ફ્લોરાને એક દિવસ માટે કલેક્ટર બનવાની ઈચ્છા અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ પૂર્ણ કરી છે. પરંતુ આ જ વહીવટી તંત્રની પહેલને કારણે  ફ્લોરાની બીજી ઈચ્છા પણ આજે પૂર્ણ થઈ છે. અમારુ આખુ પરિવાર આજે અત્યંત ખુશ છે.  આ શબ્દો છે ફ્લોરાની માતા સોનલબેન આસોડિયાના. ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઇચ્છાની જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર સંદિપ સાંગલેને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષણભર પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકારી. અને ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બનીને જિલ્લા કલેકટરની ખુરશીમાં બિરાજમાન પણ થઈ.

સરગાસણમાં રહેતી ફ્લોરાની કલેકટર બનવાની ઈચ્છાની સાથે સાથે તેને પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કડના ગીતો સાંભળવાનો પણ ગજબનો શોખ હતો. રેડિયો કે ટીવીમાં નેહા કક્કરના ગીતો સાંભળતાની સાથે જ ફલોરા ઝૂમી ઉઠતી હતી. ફલોરાની માતા સોનલ બેન આસોડીયા કહે છે કે, આજે મારી દીકરીની વર્ષગાંઠ છે અને તે સદાય એવું કહેતી કે નેહા કક્કર મને બર્થ ડે વિશ કરે તો મને ખૂબ ગમે. મારી દીકરી જ્યારે એક દિવસ માટે કલેક્ટર બની ત્યારે જ આ વાતને જિલ્લા કલેક્ટર સમક્ષ કરી હતી અને તેમણે મને ખાતરી આપી કે ફ્લોરાના જન્મદિવસે નેહા કક્કર તેને બર્થ ડે વિશ કરે તે માટે બધા જ પ્રયત્નો કરીશ અને આજે નેહા કક્કડનો ફ્લોરાને બર્થ ડે વિશ કરતો વીડિયો અમને મળ્યો છે. આ વીડિયો જોતા જ ફ્લોરાના ચહેરા પર એક અજીબ પ્રકારનું નૂર દેખાયું છે. એટલે અમારા માટે આ એક વધારાની ખુશી છે એમ તેઓ ઉમેરે છે.'

જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે, દીકરી ફ્લોરા જ્યારે એક દિવસ કલેક્ટર બનીને અમારી ઓફિસે આવી. ત્યારે જ તેની આ ઈચ્છાની પણ તેના પરિવાર પાસેથી અમને જાણવા મળી હતી. ત્યારે જ અમે પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કરનો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. અને અમે સફળ પણ થયા તેના પગલે ફ્લોરાના ચહેરા પરની ખુશી જ અમારા માટે સર્વસ્વ બની છે.'

અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા કહે છે કે, ' ફલોરાની આ ઈચ્છા બાબતે જિલ્લા કલેકટરે અમને સૂચના આપી અને મેં પોતે નેહા કક્કરના પિતા જયનારાયણ કક્કરનો સંપર્ક કર્યો. ફલોરાની બીમારી વિશે તેમને વાત કરતાં જ જયનારાયણ કકકરે એવી ખાતરી આપી કે અમદાવાદની દીકરી માટે મારી દીકરી નેહા પણ તેની વિશ પૂરી કરશે અને ફલોરાને બર્થડે વીશ કરતો વrfયો નેહા કક્કરે અમને તરત જ મોકલી આપ્યો. આ વીડિયો ફલોરાના પરિવારને મોકલી આપ્યો હતો. આ વીડિયો જોઈ ફ્લોરા ખુશ થઈ છે તેવા સમાચાર મળતા જ અમારામાં પણ ખુશી વ્યાપી ગઈ છે.'

ફલોરાના પિતા અપૂર્વ અસોડીયા કહે છે કે, 'બીમારીના શરૂઆતના તબક્કામાં નેહા કક્કર ના ગીતો સાંભળતા જ ફ્લોરા ઝૂમી ઉઠતી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ અમારા એ દિવસો પાછા લાવીને અમારી દીકરીને આનંદિત બનાવવાનો પ્રયત્ન અત્યંત પ્રશંસનીય છે.' આમ, એક જ સપ્તાહમાં ફ્લોરાની બે ઈચ્છાઓ પૂર્ણ કરીને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ સંવેદનશીલ અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(5:00 pm IST)