Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શ્રેષ્ઠ સમાજ ધડતરનું ચિતન : ભાષા અને સાહિત્યને નવી શિક્ષણ નીતિમાં આગવું સ્થાન મળ્યું છે : રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત : સરકારી વિનયન કોલેજ, ગાંધીનગર અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે આયોજિત “રાષ્ટ્રીય શિક્ષણનીતિ : ભારતીય ભાષા અને સાહિત્યના વિશિષ્ટ સંદર્ભમાં ” વિષયક બે દિવસીય કાર્યશાળાને રાજયપાલના હસ્તે ખુલ્લી મુકાઇ

જ્ઞાન સાથે સંવેદના આપતું શિક્ષણ ભારતે આપ્યું છે : ગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષ પદ્મ શ્રી વિષ્ણુ પંડયા

રાજકોટ તા.૨૫ ,ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શ્રેષ્ઠ સમાજ ધડતરનું ચિંતન છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને સરકારી વિનયન કોલેજ, ગાંધીનગર દ્વારા યોજાયેલા “ રાષ્ટ્રીય શિક્ષા નીતિ : ભારતીય ભાષાઓ અને સાહિત્યના વિશેષ સંદર્ભમાં ” વિષયક કાર્યશાળામાં રાજયપાલશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં ભાષા અને સાહિત્યને આગવું સ્થાન મળ્યું છે. 

રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ રાષ્ટ્રનું ભવિષ્ય બાળક અને યુવા પેઢીમાં સમાયેલું હોય છે. ત્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શ્રેષ્ઠ નાગરિકોના ધડતર સાથે નૈતિક જીવન મૂલ્યોના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ જીવનના સમગ્રતયા વિકાસને અનુલક્ષીને આપવામાં આવતું હતું. જેના કારણે ભારતીય ગુરૂકુળ પરંપરા જગ વિખ્યાત હતી. રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતની આ પ્રાચીન શિક્ષા પરંપરાનો ધ્વંસ કરીને જ અંગ્રેજો ભારતમાં સત્તા સ્થાપી શક્યા હતા. અંગ્રેજોની ગુલામીમાંથી ભારત સ્વતંત્ર થયું પરંતુ અંગ્રેજીયત હજુ લોકોના માનસમાંથી જતી નથી. તેમણે જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતની શિક્ષણ પરંપરામાં શિક્ષણનો ધ્યેય જીવનનાં ઉદ્દેશને જાણવાનો હતો. રાજયપાલશ્રીએ એક ભારત – શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે રાષ્ટ્રની એક ભાષા- રાષ્ટ્ર ભાષા હિન્દીને મહત્વ રૂપ ગણાવી હતી. 

આ પ્રસંગે રાજયપાલશ્રીએ રાષ્ટ્રના ઘર્મ- સંસ્કૃતિ- પરંપરા અને મૂલ્યોના જતન માટે ભાષાઓનું સંરક્ષણ – સંવર્ધન અગત્યનું હોવાનું જણાવી નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ અને સાહિત્યની મહત્તા વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બહુભાષી કૌશલ્યની હિમાયત કરીને સંસ્કૃત ભાષાનું ગૌરવ પ્રસ્તુત કર્યું હતું. 

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મ શ્રી ર્ડા. વિષ્ણુ પંડયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જેમાં પરિવર્તન થાય તે ખૂબ જ જરૂરી છે. પણ શિક્ષણનો મૂળ આત્મા ન બદલાય તે પણ તેટલું જ મહત્વનું છે. શિક્ષણમાં પ્રત્યેક્ષ- પરોક્ષ રીતે વિજ્ઞાન,ટેકનોલોજી, કલા અને સાહિત્ય સમાયેલ છે. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ૨,૭૯૬ જેટલી ભાષાઓ છે. તેમજ ભારત દેશમાં પણ ૮૪૫ જેટલી ભાષાઓ બોલાય છે. આપણા દેશમાં આટલી બધી ભાષાઓ હોવા છતાં પણ દેશ એક તાંતણે બંધાયેલ છે, તેનું ઉમદા કારણ પણ રજૂ કર્યું હતું. જ્ઞાન સાથે સંવેદના આપતું શિક્ષણ ભારતે આપ્યું છે.  નવી શિક્ષણ નીતિ ભારતને શિખરે પહોંચાડે તેવી દિશા તરફની હોવી જોઇએ તે પણ ખૂબ જરૂરી છે. સારી શિક્ષણ નીતિ માટે ભાષા- સાહિત્યનું મંથન કરવાની વાત પર પણ ભાર મુક્યો હતો. 

ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી એમ. નાગરાજને જણાવ્યું હતું કે, સાહિત્ય અને ભાષા થકી વ્યકતિનો વિકાસ થાય છે. તેમજ સાહિત્ય થકી જ તેની સંસ્કૃતિનો વિશેષ ખ્યાલ પણ આવી શકે છે. તેમણે બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવાની વાત પર ભાર મુકી ઉમેર્યું હતું કે, આજે પણ વિશ્વના જાપાન, જર્મની જેવા અનેક રાષ્ટ્રમાં એન્જિનયરીંગ જેવા ઉચ્ચકક્ષાનું શિક્ષણ પણ માતૃભાષામાં આપવામાં આવે છે. નવી શિક્ષણ નીતિ આગામી સમયમાં કેવી રીતે નવી પેઢીને મદદગાર બની શકે છે, તે માટે આ પ્રકારના ચિંતન, વિચારોની આપ-લે  માટે આવા સેમિનાર ખૂબ જરૂરી છે. 

આ પ્રસંગે સરકારી વિનયન કોલેજના આચાર્ય શ્રી ર્ડા. અનુપા ચૌહાણે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ વિધાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોના વેક્સિનેશનની જાગૃતિ આપતી ટુંકી ફિલ્મ પર બતાવવામાં આવી હતી. આ બે દિવસીય સેમિનારમાં આ વિષય પર તજજ્ઞો દ્વારા ઉમદા માહિતી આપવામાં આવશે. તેમજ નવી શિક્ષણ નીતિ પર વિચારને આપ- લે કરવામાં આવશે. 

આ પ્રસંગે કેન્દ્રીય વિશ્વ વિધાલયના કુલપતિ શ્રી ર્ડા. રમાશંકર દુબે સહિત આમંત્રિત વિવિધ સરકારી કોલેજના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(3:25 pm IST)