Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પુસ્તકની યાદ તાજી

'મહાત્મા : એ ગ્રેટ કોમ્યુનિકેટર' ડો. ધીરજ કાકડિયાનું પુસ્તક

ગાંધીજી મુશ્કેલી વખતે મૌન, પ્રાર્થના અને ઉપવાસનો આશરો લેતા : ધીરજ કાકડિયાનો મો. ૯૯૭૮૪ ૦૫૩૬૩

રાજકોટ તા. ૨૫ : કોમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયનની અદૂભૂત અને શાશ્વત કળા મહાત્મા ગાંધીએ આત્મસાત્ કરી હતી. ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારી ડો. ધીરજ કાકડિયાએ લખેલા પુસ્તકની પ્રસ્તાવનામાં ભારતરત્ન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મર્હૂમ ડો. અબ્દુલ કલામે નોંધ્યું છે કે ભાષાનું લાઘવ, વિચારોની સ્પષ્ટતાને કારણે મહાત્મા ગાંધી વિશ્વભરમાં પોતાની વાત સમજાવી શકયા હતા. પુસ્તકનું ત્રીજું પ્રકરણ વિશેષ ધ્યાન ખેંચે છે. લેખક કહે છે કે ગાંધીજી આત્મિક સંવાદની જાદૂઈ અસર બરાબર પિછાણતા હતા. પ્રાર્થના, ઉપવાસ અને મૌન એ ગાંધીજીના આત્મિક પ્રત્યાયનના મુખ્ય હથિયાર હતા.

ગાંધીજીએ પોતાની આત્મકથામાં 'આત્મા' શબ્દનો એકવીસ વખત સાર્થક ઉલ્લેખ કર્યો છે. બાપુ માનતા હતા કે દરેક વ્યકિતનો આત્મા હંમેશા પરિશુધ્ધ અને સર્વહિતલક્ષી વિચારોને પ્રોત્સાહન આપનારો હોય છે. પરમાત્માનો અંશ હોવાને લીધે બધા આત્માઓ એકબીજા સાથે સંદેશાની આપ-લે કરી શકે છે. બસ, જરૂર છે માત્ર આત્માની આસપાસ કવચ કરી બેઠેલા વાસનામય ચક્રને તોડવાની. ગાંધીજીએ આશ્રમજીવનમાં અપનાવેલ એકાદશ વ્રત આત્મશુધ્ધિની આ પ્રક્રિયાનો જ હિસ્સો હતા. લેખક પુસ્તકમાં આ ખ્યાલને આબેહૂબ વર્ણવતા લખે છે કે મુશ્કેલીના સમયમાં ગાંધીજી શાબ્દિક સંદેશાવ્યવહારનો નહિ બલ્કે મૌન, પ્રાર્થના અને ઉપવાસના માધ્યમથી આત્મિક સંદેશાવ્યવહારનો આશરો લેતા હતા. ગાંધીવાદી સ્વ. નારાયણભાઈ દેસાઈ, ડો. સુદર્શન આયંગાર વગેરેએ કોમ્યુનિકેશનની આ નવી જ ગાંધીયન થિયરીને બિરદાવતા જણાવ્યું હતું કે માસ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓને માટે અભ્યાસનો આ એક નવો જ આયામ પ્રાપ્ત થયો છે જે વિશ્વભરની યુનિવર્સિટીઓમાં સંશોધનનો વિષય બની શકે તેમ છે.

પુસ્તકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનૌપચારિક વાતચીતમાં ગાંધીજીની કમ્યુનિકેશન સ્કીલને દર્શાવતા ટાંકેલા લક્ષણોને પણ બતાવાયા છે. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવનાર શીર્ષસ્થ સ્વાતંત્ર્યવીર મહાત્મા ગાંધીને 'આઝાદીના અમૃત મહોત્સવ' પ્રસંગે આ પુસ્તક છે એક અદૂભૂત અને અનોખી શ્રધ્ધાંજલિ! સમાન છે. હાલના અવસરે આ પુસ્તકની યાદ તાજી થાય છે.

(11:44 am IST)