Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ગોત્રી દુષ્કર્મ કેસની તપાસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સંભાળી : પીડિતાની ત્રણ કલાક સુધી થઇ પૂછપરછ

પુરાવાઓ સહિતના મુદ્દે ચર્ચા કર્યા બાદ કેસને લગતાં તમામ દસ્તાવેજો તથા કાગળો ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પોતાના હસ્તગત કરી લીધા

હરિયાણાની રહેવાથી અને વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી દ્વારા ગોત્રી પોલીસ મથકે નોંધાવવામાં આવેલી દુષ્કર્મ કેસની તપાસ ગોત્રી પોલીસ પાસેથી આંચકી લઇને પોલીસ કમિશનર શામશેરસિંઘ દ્વારા વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓ દ્વારા ગઈકાલથી જ ગોત્રી પોલીસ પાસેથી તપાસ સંભાળી લેવામાં આવી હતી અને હવે આજથી વિધિવત તપાસ આગળ ધપાવવામાં આવી છે. પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા આ કેસની તપાસ પી.આઈ વી એ ખેર, ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી એસ ચૌહાણ સહિતના અધિકારીઓને સોંપવામાં આવી છે. જેઓએ ગઈકાલે સાંજે ગોત્રી પોલીસ મથકે ડીસીપી ઝોન ટુ જયરાજસિંહ વાળા, એસીપી એવી રાજગોર અને ગોત્રી પોલીસ મથકના પી.આઇ ચૌધરી સાથે બેઠક કરી હતી. બેઠકમાં અત્યાર સુધી આ દુષ્કર્મ કેસને લઇને કરવામાં આવેલી તપાસ, એકત્ર કરવામાં આવેલા પુરાવાઓ સહિતના મુદ્દે ચર્ચા કર્યા બાદ કેસને લગતાં તમામ દસ્તાવેજો તથા કાગળો ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પોતાના હસ્તગત કરી લીધા હતા.

દુષ્કર્મ કેસની ફરિયાદી હરિયાણાની 24 વર્ષીય યુવતીને શુક્રવારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે બોલાવીને તપાસ અધિકારી પી આઈ વી એ ખેર, એસીપી ડી એસ ચૌહાણ સહિતના સિનિયર અધિકારીઓએ મહિલા પોલીસ તથા મહિલા સામાજિક કાર્યકરની ઉપસ્થિતિમાં પીડિતાની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી.

ફરિયાદમાં તથા અત્યાર સુધીની તપાસ દરમિયાન ઊભી થયેલી વિસંગતતાઓ અંગે પીડિતાની ઉલટ તપાસ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેને લગત બાબતોને પૂછપરછ દરમિયાન સમર્થન મળી રહ્યું છે.

(9:41 pm IST)