Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સુરતમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ :પોલીસે મેકડ્રોન ડ્રગ્સ સાથે 28.49 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા

મેકડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો મુંબઈના નાલાસોપારા ખાતેથી એક શખ્શ પાસેથી ખરીદ્યો : સુરતના અલગ અલગ વિસ્તારમાં વેંચતા હોવાનું કબુલ્યું

સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પોલીસે શહેરમાં ગેરકાયદેસર રીતે મેકડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો વેપાર ધંધા કરતા ઈસમોને પકડી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી. જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે તરીકે 24 ના રાત્રી દરમ્યાન કડોદરા રોડ પર નિયોલ ચેક પોસ્ટ પર વોચ ગોઠવી ગોલ્ડન રંગની ફોર વ્હીલ ગાડીમાં બેસેલા ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં રાંદેર ખાતે રહેતા ઇમરાન શબદુલ શેક, ઇમરાન ઉર્ફે બોબા ખાન અને મુઆઝ સૈયદનો સમાવેશ થાય છે. જેમની પાસેથી પોલીસે 196.2 ગ્રામનો રૂ. 19.62 લાખનો મેકડ્રોન ડ્રગ્સ, રોકડા રૂ.2.49 લાખ, મોબાઈલ અને ગાડી લઈને કુલ રૂ. 28.49 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે આરોપીઓની પુછપરછ કરતા આ મેકડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો મુંબઈના નાલાસોપારા ખાતેના એક શખ્શ પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું અને તેઓ તેને ફોર વ્હીલ ગાડીમાં લાવી સુરતના અલગ અલગ વિસ્તારમાં વેંચતા હોવાનું કબુલ્યું હતું.

પોલીસ દ્વારા હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આ ડ્રગ્સ મુંબઈમાં કોની પાસે ખરીદવામાં આવ્યું તેમજ સુરતમાં કેવી રીતે નેટવર્ક ગોઠવીને આ ડ્રગ્સ કોના સુધી પહોંચાડવાનું હતું. જોકે આ ડ્રગ્સ અન્ય કોઈ સુધી પહોંચે તે પહેલા જ શખ્સોને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. આમ, યુવાધનને બરબાદ થતા અટકાવવાની દિશામાં ખાનગી સંસ્થાઓની સાથે સુરત પોલીસ પણ સતત પ્રયત્નશીલ છે. આ સમગ્ર રેકેટનો માસ્ટર માઈન્ડ કોણ છે તેને શોધવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

(8:57 pm IST)