Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અધ્યાપકોની ભરતી ન થતા ૨ સરકારી અને ૨૬ ગ્રાન્ટેડ લો કોલેજમાં નવા સત્રમાં છાત્રોને પ્રવેશ નહિં?

ખાનગી કોલેજોએ ભરતી કરી, સરકારી - ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ ફોર્મ ભરાયા બાદ પ્રવેશ અંગે અનિશ્ચિતતા

રાજકોટ, તા. ૨૫ : છેલ્લા કેટલાક સમયથી સરકારી કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફ ન હોવાથી શિક્ષણ ઉપર ગંભીર અસર પડી છે. ગુજરાતની ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં સંખ્યાબંધ પ્રોફેસરોની ખાલી જગ્યાઓ છે. ખાસ કરીને કાયદા વિદ્યાશાખાની કોલેજમાં લાંબા સમયથી અધ્યાપકો વગર જ વિઝીટીંગ પ્રોફેસરો દ્વારા કામ ચલાવાય છે.

લો કોલેજમાં પૂર્ણ લાયકાત ધરાવતા અધ્યાપકો અને પ્રિન્સીપાલ વગર કોલેજ ચાલતી હોવાની વ્યાપક રજૂઆતો થઈ છે ત્યારે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ પણ ગંભીર નોંધ લઈને કડક વલણ અપનાવીને લો કોલેજોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકે તે માટે દરેક કોલેજોમાં ૮ પ્રોફેસર અને ૧ પ્રિન્સીપાલની ભરતી કરવા રાજય સરકાર અને યુનિવર્સિટીને પત્ર પાઠવીને જાણ કરી છે.

ગુજરાતની ખાનગી લો કોલેજોએ તુરંત પ્રિન્સીપાલ અને અધ્યાપકોની ભરતી કરી લીધી છે. જયારે સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોની ભરતી હજુ સુધી કોલેજોએ ન કરતા પ્રવેશ અંગે ભારે અનિશ્ચિતતા સર્જાય છે.

લો કોલેજના વર્તુળોએ જણાવ્યુ છે કે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ પત્રમાં જણાવ્યુ કે જો કોઈપણ લો કોલેજમાં ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષમાં ૮ પ્રોફેસરો અને ૧ પ્રિન્સીપાલ નહિં હોય તો અમે તેનું રજીસ્ટ્રેશન નહીં કરીએ. આ અંગે ખાનગી લો કોલેજોના ટ્રસ્ટીઓએ પ્રિન્સીપાલ અને અધ્યાપકોની ભરતી કરી લીધી. જયારે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની ભરતી રાજય સરકાર કરે છે. પરંતુ હજુ સુધી કાર્યવાહીઓ ન થતા આ વર્ષ પ્રવેશ ફોર્મ ભરાવ્યા બાદ પ્રવેશ ફાળવવામાં આવતા નથી.

દરમિયાન ઉચ્ચ સૂત્રોએ જણાવ્યુ કે હાલની કોવિડ-૧૯ની સ્થિતિમાં રાજય સરકારે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાને રજૂઆત કરીને એક વર્ષની મુદ્દત માંગી છે.

સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ અદ્ધરતાલ રહેતા વિદ્યાર્થીઓએ હાલ વર્ષ ન બગડે તે માટે ખાનગી લો કોલેજોમાં પ્રવેશ લઈ રહ્યા છે.

સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં ઉચ્ચ ભરતી કરીને કાયદાનું ઉચ્ચ શિક્ષણ મળે તે માટે છાત્રોની લાગણી પ્રવર્તી રહી છે.

(3:46 pm IST)