Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

પાટણ જિલ્લામાં સર્વર ડાઉન થતા સસ્તા અનાજ વિતરણમાં વિલંબ

વિક્રેતાઓ દ્વારા ઓનલાઇન વેચાણની મંજૂરી આપવા માંગ

પાટણ તા.રપ : રાજય સરકાર પુરવઠા તંત્ર સર્વર ઠપ્પ રહેતા તેમજ ઘણી વખત ઇન્ટરનેટની સ્પીડના મળવાના કારણે ગરીબ ગ્રાહકો સસ્તા અનાજની દુકાનો ઉપર સમયસર અનાજ ન મળવાને કારણે હેરાન થતાં દુઃખની લાગણી વ્યાપી જવા પામી છે. ધરમધકકાથી કંટાળતા ગ્રાહકો સસ્તા અનાજની દુકાનદાર સાથે માથાકુટો અને ઘર્ષણ થવાના અનેક બનાવો બની રહયા છે.

રાજય સરકારે કોરોના સંક્રમણના કારણે પાંચ માસ સુધી ઓફ લાઇન વિતરણની છુટ આપી હતી, પણ સપ્ટેમ્બર માસથી ઓનલાઇન વિતરણ કરવાનું જણાવતા લોકોના ફીંગરપ્રીન્ટ લેવામાં લાંબો સમય જાય છે. દુકાનો ઉપર વાહનો અને ગ્રાહકોને ભીડ એકઠી થઇ થવાથી સોશ્યલ ડીસ્ટન્સનો પ્રશ્ન ઉભો થાય છે. સરકારપાસે જયાં સુધી કોરોના સંક્રમણ છે ત્યાં સુધી મેન્યુઅલ રીતે ઓફલાઇન વિતરણ કરવાની છુટ આપવા પ્રજાની માંગણી ઉઠી છે. આ અંગે મુખ્યમંત્રી તેમજ પુરવઠા મંત્રી સમક્ષ લેખીત રજુઆતો થવા પામી છે. એક તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર પ્રયાસ કરે છે. તો બીજી તરફ ઓનલાઇન અખતરા કરી પ્રજાને કોરોના સંક્રમણમાં ધકેલી રહી છે. દુકાનો ઉપર એક થમ્બ હોય અને તેમાં જુદા જુદા ગ્રાહકોના અંગુઠા લેવાતા અને ફીંગર પ્રીન્ટ માટે અંગુઠા મુકતા સંક્રમણનો ગ્રાહકો અને દુકાનદારોમાં સતત ભય સતાવી રહયો છે.

કોરોનાના સંક્રમણમાં પાટણ જીલ્લાની બે સસ્તા અનાજની દુકાનના સંચાલકોના કરૂણ મૃત્યુ થયા હોવાનું તેમજ ત્રણ થી ચાર દુકાનદારો કોરોનાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં સારવાર લેવાનો વારો આવ્યો હોવાનું એક એફપીએસના આગેવાને જણાવ્યું હતું.

(12:53 pm IST)