Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ગુજરાતીઓ માટે માઠા સમાચાર

કોરોના કેસ વધતા આબુ રોડનો વિસ્તાર કરાયો લોકડાઉન

આબુરોડ તા. ૨૫ : આબુરોડ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર અહીનો વિસ્તાર એક અઠવાડિયા સુધી બંધ રાખવામાં આવશે. આબુ રોડની આસપાસમાં આવેલા વિસ્તારમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો હોવાના કારણે અહી એક અઠવાડિયા સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે.

આબુ રોડ વિસ્તારમાં સતત કેસ વધી રહ્યા હોવાના કારણે ૩૦ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી આબુ રોડમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. અહી આબુરોડ શહેર, તરતોલી, આકરાભટ્ટા, માનપુર હવાઈ પટ્ટી અને સાંતપુર સુધીનાં ગામોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. કોરોના સંક્રમણને પગલે ચાર મહિના સુધી માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું. તેથી જયારે આબુને અનલોક કરાયું ત્યારે મોટી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા હતા. તો બીજી તરફ, માઉન્ટ આબુ રોડની આસપાસમાં આવેલા વિસ્તારમાં કોરોનાનાં કેસ વધવાનાં કારણે ફરી એકવાર સ્થાનિક માર્કેટને ફટકો પડે તેવી પૂરી સંભાવનાઓ છે.

ગુજરાતીઓનાં માનીતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાંપ્રકૃતિ સોળે કલાએ ખીલી છે. માઉન્ટ આબુમાં સતત પડી રહેલા વરસાદનાં કારણે ચોમેર હરિયાળી છવાઈ છે. ભારે વરસાદનાં કારણે પહાડોમાં અનેક નદીઓ અને ઝરણાં વહેતા થતાં અદભૂત નજારો સર્જાયો છે. માઉન્ટ આબુનું નકીલેક છલકાતા રમણીય દ્રશ્યો સર્જાયા છે. અહી જન્માષ્ટમીથી સતત મુસાફરોની આવનજાવન ચાલુ છે. તો ગત દિવસોમાં રીમઝીમ અને તેજ વરસાદથી અહીંનું વાતાવરણ ચારે કળાએ ખીલ્યું છે. પહાડીઓમાંથી ઝરણાં વહી રહ્યાં છે. જેનો લ્હાવો અહી પહોંચી રહેલા મુસાફરો લઈ રહ્યાં હતા. માઉન્ટ આબુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલતાં પ્રવાસીઓ મૌસમનો નજારો માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સ્થાનિક સુત્રોની માનીએ તો આબુ રોડની આસપાસનો વિસ્તાર કોરોનાની ઝપટમાં આવી ગયો હોવાથી માઉન્ટ આબુમાં આવી રહેલા પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો થઇ શકે તેવી પૂરી સંભાવના છે.

(11:41 am IST)