Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ધાર્મિક પરિવારને 'ધરમ કરતા ધાડ પડી' જેવો અનુભવ થયો

ઠાકોરજીને ગરમી લાગતા પરિવારે રૂમ ખુલ્લો રાખી પંખો મુકયોઃ તસ્કરો ૧.૪૭ લાખની મતા ચોરી ફરાર

અમદાવાદ, તા.૨૫: શહેરના નવરંગપુરામાં  એક અજીબ ચોરીનો  કિસ્સો સામે આવ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા પરિવારે ભગવાન ઠાકોરજીની ચિંતા કરી તેઓને ગરમી ન લાગે તે માટે પૂજા રૂમ ખુલ્લો રાખી ઠાકોરજી પાસે ટેબલ ફેન રાખી આ પરિવાર સુઈ ગયો હતો. જોકે તસ્કરોઅ આ જ પૂજા રૂમ માંથી પ્રવેશી ઘરમાંથી ૧.૪૭ લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવારે જે ભગવાનની ચિંતા કરી હતી તે જ રીતે તસ્કરોએ પણ ભગવાન ની ચિંતા કરી ઠાકોરજીની મૂર્તિ ને ગેલેરી માં મૂકી બાદમાં ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે શહેરના નવરંગપુરામાં  આવેલી પ્રકાશ પાર્ક સોસાયટીમાં રહેતા મનોજભાઈ ગાંધી નિરમા યુનિવર્સિટી  પાસે પ્રોડકશન મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાત્રે તેઓ તથા તેમના પરિવારના સભ્યો જમીને સુઈ ગયા હતા અને તેમના ઘરના પહેલા માળે આવેલા બેડરૂમમાં તે તથા તેમના પત્ની સુઈ ગયા હતા. તારીખ - ૨૪ ના રોજ સવારે ઉઠ્યા ત્યારે મનોજભાઈ તેમના કામમાં વ્યસ્ત હતા.

પરંતુ તેમના પત્નીએ કહ્યું કે રાત્રે તેમના ઘરમાં ચોરી થઈ હતી. તેમના ઘરમાં રહેલા ભગવાન ઠાકોરજીને ગરમીના થાય એ માટે દરવાજો ખુલ્લો રાખી ટેબલ ફેન ચાલુ મૂકયો હતો. તે પૂજા રૂમના બારણે થી કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી આ પૂજા રૂમમાંથી ઠાકોરજીને ગેલેરી ની જગ્યા માં મૂકી દીધા હતા અને બધો સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો.

જેથી ત્યાં જઈને મનોજભાઈએ જોયું તો એક લોખંડની તિજોરી ખુલ્લી હાલતમાં હતી અને તિજોરી ના અલગ અલગ ડ્રોઅર તથા ચોર ખાનામાંથી કીમતી દાગીના તથા રોકડા સહિત ૧.૪૭ લાખની મતા ચોરી થઈ હતી.

જેથી તેઓએ આ મામલે નવરંગપુરા પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે. આમ એક પરિવારને ધર્મ કરતા ધાડ પડી હતી. જોકે, પોલીસ કેસ નોંધાતા હવે આ 'ધાર્મિક' ચોરની તપાસ શરૂ કરી છે.

(11:31 am IST)