Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ભારત એકતા યાત્રા : મોટી સંખ્યામાં લોકો સામેલ થયા

જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા : લોકજાગૃતિ માટે એકતા યાત્રાનું આયોજન : શહેરના જુદા જુદા વિસ્તારમાંથી લોકો પહોંચ્યા : વિશેષ બસની વ્યવસ્થા

અમદાવાદ, તા. ૨૫ : અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડથી સુભાષ ચોક સુધી ભાજપની ભારત એકતા યાત્રાનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. જનસંઘના સ્થાપક પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજંયતિના અવસર પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશ આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાશ્મીરમાં કેન્દ્ર સરકારે લીધેલા પગલાઓને લઈને લોક જાગૃતિ માટે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલા આયોજનને લઈને પહેલાથી જ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. કાર્યક્રમ વેળા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમા પર પુષ્પાંજલિ આપવામાં આવી હતી. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. શહેરના શાહપુર અને અન્ય વિસ્તારોમાંથી લોકો અને બાળકોને લઈ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

              કાર્યક્રમની શરૂઆત સવારે થાય તે પહેલા જ લાલ બસની સુવિધા કરવામાં આવી હતી. સ્કુલી બાળકો પણ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા. હાલમાં જ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવામાં આવી ચુકી છે. આ કલમમાં જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો મળેલો હતો પરંતુ પાંચમી ઓગસ્ટના દિવસે જ જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ દુર કરવામાં આવી હતી. ત્યારબાદથી જમ્મુ કાશ્મીરને  સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજન કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગીતો પણ રજુ કરવામાં આવ્યા હતા. જીતુ વાઘાણીના નેતૃત્વમાં મુખ્ય કાર્યક્રમો યોજાયા હતા. એકતા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ધ્વજ સાથે જોડાયા હતા.

(9:45 pm IST)