Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ : હવામાનમાં પલટો

વીજળીના કડાકા અને ભડાકા સાથે તોફાની વરસાદ : નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પૂર્વના પટ્ટામાં પાણી ભરાયા ગયા : વરસાદી માહોલમાં વાહનચાલકો અટવાયા

અમદાવાદ, તા.૨૫ : અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભારે પવન ફુંકાવાની સાથે તેમ જ ધૂળની ડમરીઓ ઉડવાની સાથે ભારે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને સમગ્ર વાતાવરણમાં એકદમ ઠંડક છવાઇ ગયા હતા. પૂર્વના નીચાણવાળા વિસ્તારોમાં થોડા પાણી ભરાઇ ગયા હતા. તો, અચાનક જ હવામાનમાં પલ્ટા બાદ ધોધમાર વરસાદ તૂટી પડતાં વાહનચાલકો અને નાગરિકો રસ્તામાં અટવાયા હતા. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી એકદમ ઉઘાડ નીકળ્યો હતો અને વાતાવરણ સ્વચ્છ હોવાની સાથે સાથે ગરમી અને ઉકળાટનો અનુભવ શહેરીજનો કરી રહ્યા હતા ત્યારે બપોરે ત્રણ વાગ્યા બાદ અચાકન જ શહેરના વાતાવરણ અને હવામાનમાં નોંધનીય પલ્ટો આવ્યો હતો.

               ખાસ કરીને શહેરનું વાતાવરણ એકદમ વાદળછાયુ બની ગયુ હતું અને આકાશમાં એકદમ કાળાડિબાંગ વાદળો ઘેરાઇને છવાઇ ગયા હતા. થોડીવારમાં તો અચાકન જોરદાર ગાજવીજ અને વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે ભારે પવન ફુંકાવાની અને ધૂળની ડમરીઓ શરૂ થઇ ગઇ હતી અને બસ ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.  શહેરના પૂર્વ અને પશ્ચિમ તેમ જ નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં ખાસ કરીને પૂર્વના ખોખરા, હાટકેશ્વર, જશોદાનગર, ઓઢવ, ઇસનપુર, વટવા, પીપળજ, રાયપુર, મણિનગર, વસ્ત્રાલ, લાલદરવાજા, નરોડા, અમરાઇવાડી, ઘોડાસર, વેજલપુર, વાસણા, તો પશ્ચિમમાં એસજી હાઇવે, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, ગુરૂકુળ, મેમનગર, નારણપુરા, દર્પણ છ રસ્તા, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે અને ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાની વધુ ફરિયાદો સામે આવી હતી. બપોર બાદના ધોધમાર વરસાદને લઇ શહેરનું સમગ્ર વાતાવરણ એકદમ ઠંડકમય અને ખુશનુમાભર્યુ બની ગયુ હતુ.

                     શહેરીજનોએ ગરમી અને ભારે ઉકળાટથી વરસાદી ઠંડકને લઇ ભારે રાહત અનુભવી હતી. જો કે, બપોર બાદ શહેરમાં અચાનક વરસાદ તૂટી પડતાં શહેરીજનો ખાસ કરીને વાહનચાલકો રસ્તામાં અટવાયા હતા. વરસાદને લઇ શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદમાં સિઝનમાં હજુ સુધી ૭૪૭ મીમીનો વરસાદ નોંધાઈ ચુક્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા જારી રહી શકે છે. નવરાત્રીની તૈયારીમાં રહેલા કેટલાક આયોજકો પણ હવામાનમાં આવી રહેલા પલટાને લઈને ચિંતિત છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૪.૮ અને લઘુત્તમ તાપમાન ૨૬.૩ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં એકવાર ગરમીનો અનુભવ થયા બાદ આજે વરસાદ પડ્યો હતો.

(8:36 pm IST)