Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પુરૂષોમાં વય વધે તેમ પ્રોસ્ટેટ સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવું જરૂરી

ઉંમરલાયક પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સર પ્રમાણ ચાર ટકાઃ વિશ્વમાં સૌથી વધુ પ્રોસ્ટેટ કેન્સરગ્રસ્ત અમેરિકન આફ્રિકન સ્ટેજ-૧નું પ્રોસ્ટેટ કેન્સર હોય તો તેનું ૧૦૦ ટકા નિવારણ

અમદાવાદ,તા.૨૫: સપ્ટેમ્બર મહિનાની પ્રોસ્ટેટ મહિના તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સમાજમાં પ્રોસ્ટેટ સંબંધી જાણકારી અને જાગૃતતા વધે અને તેને લગતી સમસ્યાઓના નિવારણ-સારવારને લગતા અનેકવિધ કાર્યક્રમ યોજાતા હોય છે. તાજેતરમાં જ પ્રોસ્ટેટને લઇ હાથ ધરાયેલા એક સર્વેમાં ૫૪ ટકા પુરૂષો અને ૩૪ ટકા મહિલાઓએ પ્રોસ્ટેટ ગ્રંથિ વિશે ખોટો જવાબ આપ્યો હતો. તેઓને એ જ ખબર ન હતી કે, પ્રોસ્ટેટ ગ્રંથિ પુરૂષોમાં હોય કે સ્ત્રીમાં અથવા તો બંનેમાં. વાસ્તવમાં પ્રોસ્ટેટ ગ્રંથિ એ માત્ર પુરૂષોમાં જ હોય છે. પુરૂષોની ઉમંર ૫૦ વર્ષ પછી જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ આ ગ્રંથિ વધતી જાય છે અને તેને લઇ અનેકવિધ સમસ્યા અને તકલીફો પણ વધતી જાય છે. ઉંમરલાયક પુરૂષોમાં બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાશિયા(બીપીએચ)નું પ્રમાણ વધુ જોવા મળે છે. બીપીએચને પ્રોસ્ટેટ ગ્લેન્ડ એન્લાર્જમેન્ટ પણ કહેવાય છે પરંતુ તે પ્રોસ્ટેટ કેન્સર નથી. આ એક સામાન્ય પ્રોસ્ટેટીક રોગ છે. ભારતમાં ઉમંરલાયક પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ ચાર ટકા જેટલું છે, જેની સામે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રોસ્ટેટ કેન્સર જોઇએ તો, અમેરિકન આફ્રિકન અને પછી અમેરિકન વ્હાઇટ મેનમાં જોવા મળે છે. જેનું પ્રમાણ અનુક્રમે ૧૩ ટકા અને આઠ ટકા જેટલું નોંધાયું છે. જો કે, આજના અદ્યતન ટેકનોલોજીયુકત યુગમાં રોબોટીક સર્જરી અને લેપ્રોસ્કોપીક સર્જરીની મદદથી પ્રોસ્ટેટ કેન્સર જો સ્ટેજ -૧માં જ નિદાન થઇ જાય તો તેનું સો ટકા નિવારણ શકય છે એમ અત્રે ઝાયડસ હોસ્પિટલના કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ ડો.કમલેશ પટેલે જણાવ્યું હતું. પ્રોસ્ટેટ મહિનાની ઉજવણીને લઇ હાથ ધરાયેલા સર્વે અને સમાજમાં પ્રોસ્ટેટને લઇ કેટલીક મહત્વની જાગૃતતા ફેલાવવાના ભાગરૂપે ડો. કમલેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બિનાઇન એન્લાર્જમેન્ટ ઓફ પ્રોસ્ટેટ એ ઉમંરની સાથે જોડાયેલી અને વારસાગત બિમારી છે. જો પિતા, દાદા કે નાનાને પ્રોસ્ટેટ કેન્સર કે પ્રોસ્ટેટ સંબંધી તકલીફ હોય તો તેમના પુત્રો અથવા પૌત્રોને પ્રોસ્ટેટ સંબંધી તકલીફ થવાની શકયતા ૨૫ ટકા સુધી વધી જાય છે. પુરૂષની ઉમંર જેમ જેમ વધતી જાય ખાસ કરીને ૫૦ વર્ષ પછી તેમ તેમ પ્રોસ્ટેટની ગ્રંથિ પણ વધતી જાય છે, તે અટકતી નથી. બિનાઇન એન્લાર્જમેન્ટ ઓફ પ્રોસ્ટેટને લઇ ઘણી તકલીફો અને સમસ્યાઓ ઉભી થાય છે, જો ગંભીરતા રાખવામાં ના આવે તો પ્રોસ્ટેટ કેન્સર સુધી વાત પહોંચી જતી હોય છે. તેથી જ પુરૂષોની ઉમંર વધતી જાય તેમ તેમણે નિયમિત રીતે દર વર્ષે બીપીએચ-પ્રોસ્ટેટ કેન્સર માટે તપાસ કરાવવા પ્રોસ્ટેટ સ્ક્રીનીંગ કરાવવું અત્યંત અનિવાર્ય છે. ઝાયડસ હોસ્પિટલના કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ ડો.કમલેશ પટેલે વધુમાં ઉમેર્યું કે, પ્રોસ્ટેટ કેન્સરથી ડરવાની જરૂર નથી કારણ કે, જો સ્ટેજ-૧માં નિદાન થઇ જાય તો તેના નિવારણની સો ટકા શકયતા રહેલી છે. જો સ્ટેજ-૨માં નિદાન થાય તો, ૯૦ ટકા નિવારણની શકયતા રહેલી છે. આ સંજોગોમાં પ્રોસ્ટેટ કેન્સરને નાથવામાં હવે મેડિકલ સાયન્સ અને અદ્યતન ટેકનોલોજી સક્ષમ છે. પુરૂષોને પેશાબ સંબંધી કોઇપણ સમસ્યા હોય તો, તાત્કાલિક તેમણે ડોકટર સાથે વાત કરવી જોઇએ અને તેનું નિદાન કરાવવું જોઇએ. પ્રોસ્ટેટને લઇ હવે સમાજમાં જાગૃતિ ખૂબ જ જરૂરી છે.

(10:41 pm IST)
  • અમદાવાદ: સાણંદના મટોડામાં બાળકોની બાબતે જુથ અથડામણ:બે જુથ વચ્ચે સશસ્ત્ર મારામારી, : ચાર લોકો ઘાયલ: તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા:બંને પક્ષે કુલ 14 લોકો સામે ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ access_time 12:26 am IST

  • ૨૯મીએ ચોમાસુ પ્રશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાય લેશેઃ અરબીસમુદ્રમાં વધુ એક સિસ્ટમ્સ બનશેઃ ૨૯મીએ ચોમાસુ પ્રશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાઇ લઇ રહયું છે. ત્યારે તા.૯,૧૦ ઓકટોબરના અરબીસમુદ્રમાં એક મજબુત સિસ્ટમ્સ બની રહી છે પરંતુ આ હજુ વ્હેલુ કહેવાય આવતા દિવસોમાં ખબર પડે કે સિસ્ટમ્સ બનશે કે નહિ. વિવિધ ફોરકાસ્ટ મોડલો ઉપર વોચ રાખવી જરૂરી છે તેમ હવામાનની એક ખાનગી સંસ્થા વેધરએકસપર્ટ ગ્રુપે જણાવ્યું છે access_time 12:11 pm IST

  • કોલકતા: 280 ગુજરાતીઓ અચાનક ટ્રેન કેન્સલ થતા રેલ્વે સ્ટેશન પર અટવાયા:આજે રાત્રે બાર વાગ્યાની હાવડા- અમદાવાદની હતી ટ્રેન:પુરી થી 2 દિવસ પહેલા કોલકાતા ગયા હતા access_time 12:26 am IST