Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

રોગચાળાની પરિસ્થિતિ વચ્ચે પાણીના સેમ્પલો લેવાનું ઠપ્પ

પાણીના નમૂના લેવાની કામગીરી રોકાતા વિવાદઃ ત્રણ અઠવાડિયામાં મ્યુનિસિપલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગચાળાના કુલ ૮૩૯ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા

અમદાવાદ, તા.૨૫: શહેરીજનોમાં પાણીજન્ય રોગચાળા ઝાડા-ઊલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસ સતત વધી રહ્યા હોઇ ભયનો માહોલ ફેલાયો છે. અમ્યુકો તંત્ર પણ આ રોગચાળાના પ્રકોપ પર નિયંત્રણ મૂકવા પાણીપૂરીના ધંધાર્થીઓ પર ઘોંસ વધારી રહ્યું છે. પરંતુ ઠેરઠેર આવતા પ્રદૂષિત પાણીથી પાણીજન્ય રોગચાળો વધ્યો છે ત્યારે આવા સંજોગોમાં ગઇકાલથી પાણીના નમૂના લેવાની તંત્રની કામગીરી જ આંતરિક વિખવાદથી ઠપ કરી દેવાતાં અમયુકો તંત્ર હવે એક નવા વિવાદમાં સપડાયું છે. એકબાજુ, જયારે લોકો પાણીજન્ય રોગચાળાના ભરડામાં સપડાઇ રહ્યા છે ત્યારે તંત્રના અધિકારીઓએ પાણીના નમૂના લેવા મામલે ગંભીરતા દાખવી અસરકારકતા દાખવવાની જરૂર હોય અને રોગચાળાની સ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો કરવાના હોય તેના બદલે આંતરિક વિવાદમાં પાણીના નમૂના લેવાની કામગીરી ઠપ્પ કરાતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં એકબાજુ, લોકોને પ્રદૂષિત પાણી પીવું પડતું હોઇ છેલ્લા ત્રણ અઠવાડિયામાં મ્યુનિસિપલ હોસ્પિટલમાં જ પાણીજન્ય રોગચાળાના કુલ ૮૩૯ દર્દીઓ દાખલ થયા છે. જેમાં ઝાડા-ઊલટીના રપ૮, કમળાના ર૮૯, ટાઇફોઇડના ર૮પ અને કોલેરાના સાત દર્દીનો સમાવેશ થાય છે. ઘાતક ગણાતા કોલેરાના તો છેલ્લા દોઢ મહિનામાં ૩૮ સત્તાવાર કેસ નોંધાઇ ચૂક્યા છે. વટવા, રામોલ, જમાલપુર, શાહપુર અને બહેરામપુરામાં કોલેરાના દર્દીઓ વધુ હોઇ આ વોર્ડના નાગરિકોમાં ભયનો માહોલ છવાયો છે. આમ, એક તરફ શહેર પાણીજન્ય રોગચાળાના ભરડામાં ફસાયેલું છે તો બીજી તરફ ગઇકાલથી પાણીના નમૂના લઇને તેમાં કલોરીન તપાસવાની હેલ્થ વિભાગની કામગીરી લગભગ ઠપ થઇ છે. જાણકાર સૂત્રોના મતે, તાજેતરમાં સત્તાવાળાઓએ હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ વચ્ચે કામનું વિભાજન કરી તેમાં પણ સ્વચ્છતા અભિયાન જેવી મહત્વપૂર્ણ બાબતનો સીધો હવાલો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને સોંપ્યો છે. આના કારણે હેલ્થ વિભાગના એએસઆઇ, એસઆઇ અને પીએચએસ જેવા સ્ટાફની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફાળવણી કરાઇ છે. તંત્રના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તરફની ચર્ચાતી કૂણી લાગણીથી તે સમયે જ હેલ્થ વિભાગમાં અંદરખાને ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જોકે હવે ગઇકાલથી હેલ્થ વિભાગ દ્વારા જે તે ઝોનના જે તે વોર્ડમાંથી પ્રદૂષિત પાણીની ફરિયાદોના પગલે તેમાં કલોરીન તપાસવા લેવાતાં પાણીના નમૂનાની કામગીરી ભારે પ્રભાવિત થઇ છે. મધ્ય ઝોનમાંથી લેવાતા પાણીના નમૂનાની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો છે. પ્રદૂષિત પાણીને લગતી સૌથી વધુ ફરિયાદ મધ્ય ઝોનમાંથી આવતી હોઇ આ ઝોનમાંથી દર મહિને અંદાજે ૧૧૦૦ થી ૧ર૦૦ નમૂના લેવાય છે. ત્યારબાદ બીજા ક્રમાંકે આવતા દક્ષિણ ઝોનમાંથી પણ પાણીના નમૂના ઓછા લેવાયા હતા. ઉત્તર ઝોન, પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાંથી પણ પાણીના નમૂના લેવાની કામગીરીને અસર પહોંચી હોવાની કબૂલાત તંત્રના હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કરી છે. તો બીજીબાજુ, નાગરિકોમાં તાત્કાલિક સંબંધિત વિસ્તારોમાં પાણીના નમૂના લઇ આગળની અસરકારક કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી ઉઠી છે.

(10:40 pm IST)
  • અમદાવાદ: સાણંદના મટોડામાં બાળકોની બાબતે જુથ અથડામણ:બે જુથ વચ્ચે સશસ્ત્ર મારામારી, : ચાર લોકો ઘાયલ: તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા:બંને પક્ષે કુલ 14 લોકો સામે ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ access_time 12:26 am IST

  • છોટાઉદેપુર : પાવી જેતપુર પોલીસ સ્ટેશન માંથી વિશ્વાસ ઘાત છેતરપિંડી ગુન્હામાં પકડાયેલ આરોપી ફરાર: પોલીસ સ્ટેશન માં લોક અપ માંથી રાયટર આરોપી ના જવાબ લેવા બહાર કાઢતા ત્રણ ઇસમો રાયટર જોડે વાત કરતા હતા ત્યારે નજર ચૂકવી ફરાર : આરોપી અરવિંદ દલસુખ રાઠવા ફરાર : પોલીસ ભાગી ગયેલા આરોપી ને પકડવા ના ધમ પછાડા access_time 1:19 pm IST

  • રાજકોટ-આટકોટ હાઇવે પર લુખ્ખાઓનો આતંક : વીરનગર નજીક આવારા તત્વોનો આંતક આવ્યો સામે: એસટી બસના કાચ ફોડી આવારા તત્વો ફરાર: બાઈકમાં સવાર હતા લુખ્ખાઓ : બસ ક્રોસિંગ જેવી નજીવી બાબતે ફોડાયાં કાચ:જસદણથી રાજકોટ આવતી હતી બસ access_time 12:27 am IST