Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

મહિલા સાથે શારીરિક સંબંધો બાંધવાની માંગ કરનારો જબ્બે

શહેરના નરોડા વિસ્તારના બનાવથી ચકચાર : એકતરફથી પ્રેમમાં પાગલ યુવકનું મહિલાના ઘરમાં ઘૂસી હિચકારૃં કૃત્ય કર્યું : પોલીસે આખરે યુવકને પકડી પાડયો

અમદાવાદ,તા.૨૫ : શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાના ઘરમાં ઘૂસીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરીને હુમલો કરવાના ચકચારી કિસ્સામાં નરોડા પોલીસે આરોપી યુવકની આખરે ધરપકડ કરી લીધી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. એક તરફી પ્રેમમાં પાગલ થઇને યુવક મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો અને તેની સાથે શારીરિક અડપલાં કરીને તેને માર પણ માર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી યુવકને ઝડપી લઇ તેની વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નરોડામાં હંસપુરા એક ફ્લેટમાં રહેતી પરિણીત મહિલાએ પાર્થ રાજેશભાઇ જોશી નામના યુવક વિરુદ્ધમાં છેડતી તેમજ હુમલો કરવાની ફરિયાદ કરી હતી. મહિલા તેના આઠ વર્ષના પુત્ર સાથે રહે છે. થોડાક દિવસ પહેલાં મહિલા ઘરે એકલી હતી ત્યારે પાર્થ જોશી નામનો યુવક ઘરમાં ઘૂસી ગયો હતો. પાર્થે મહિલા સાથે બીભત્સ હરકતો શરૂ કરી દીધી હતી. મહિલાએ શારીરિક સંબંધ બાંધવાનો ઇન્કાર કરતાં પાર્થ ઉશ્કેરાયો હતો અને ફરજિયાત સંબંધ રાખવો પડશે તેવી ધમકી આપીને મહિલા સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. મહિલાએ શારીરિક સંબંધ બાંધવાનો ઇન્કાર કરી દેતાં પાર્થ તેના પર હુમલો કરીને માર મારી નાસી ગયો હતો. સમગ્ર ઘટના અંગે આખરે પરિણિત મહિલાએ આરોપી યુવક પાર્થ વિરુદ્ધમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે પાર્થ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, એકતરફી પ્રેમમાં પાગલ યુવકના હિચકારાં કૃત્યને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:08 pm IST)