Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

સ્કૂલ સંચાલક દ્વારા IOCની પાઇપલાઇનથી ચોરી કૌભાંડ

ગ્રામ્ય એલસીબી દ્વારા સાતની ધરપકડ કરાઈ : સાણંદની સૂરજ મોતી સ્કૂલના સંચાલકે શાળાના પ્રાંગણમાં પાઇપલાઇન નાંખી તેના દ્વારા ઓઇલની ચોરી કરતા હતા

અમદાવાદ, તા.૨૫ : અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સલાયા-મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી ઓઈલ ચોરી કરવાના ચકચારભર્યા કૌભાંડનો અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પર્દાફાશ કરી નાંખ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર કૌભાંડ મામલે સાણંદની સૂરજ મોતી સ્કૂલના આરોપી સંચાલક અમરીશ મહેન્દ્રભાઇ પટેલ સહિત સાત આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડનો પર્દાફાશ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી વાત પણ સામે આવી હતી કે, સાણંદની સૂરજ મોતી સ્કૂલના સંચાલકે સાગરીતો સાથે મળી સ્કૂલ કમ્પાઉન્ડમાં જ પાઈપલાઈન નાખી હતી અને ઓઈલ ચોરી કરતા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે સ્કૂલ સંચાલક સહિત સાત લોકોની ધરપકડ કરી છે. અમદાવાદ જિલ્લામાં સાણંદ અને આસપાસના વિસ્તારમાંથી સલાયા- મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈન પસાર થાય છે. બે દિવસ પહેલાં ખેડાના નવાગામ સ્ટેશનના ઇન્ચાર્જ સીમરદીપસિંગ ભલ્લાએ આઈઓસીના ઓપરેશન મેનેજરને જાણ કરી હતી કે સાણંદ વિસ્તારમાં પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરી થાય છે, જેથી અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને આઈઓસીના અધિકારીઓએ તપાસ કરતાં સાણંદની સૂરજ મોતી સ્કૂલ નજીક ખેતરમાંથી પસાર થતી પાઇપલાઇનમાં પંચર કરી અને ચોરી કરવામાં આવી છે. જેથી પોલીસ સાથે રાખી તપાસ કરતાં પાઇપલાઇનમાં પંચર પાડવામાં આવ્યું હતું અને વાલ્વ ફિટ કરી અન્ય એક પાઈપલાઈન ફિટ કરી અને તે સૂરજ મોતી સ્કૂલના કમ્પાઉન્ડમાં ફિટ કરવામાં આવી હતી. સ્કૂલ કમ્પાઉન્ડમાંથી અન્ય પાઈપલાઈન મળી આવી હતી. આ મામલે આઈઓસીના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે સ્કૂલના સંચાલક અમરીશ હેમેન્દ્રભાઈ પટેલ (રહે. નારણપુરા) અને સ્કૂલના ચોકીદાર બબલુ ઠાકુર (રહે. સાણંદ)ની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે અમરીશ હેમેન્દ્રભાઈ પટેલે સરખેજમાં રહેતા ગુલામહુસેન શેખ, સોહીલ ઉર્ફે સોહેલ, ફિરોજ શેખ, મહંમદ અફઝલ અને ભાવનગરના ચિરાગ નામના શખ્સ સાથે મળી ઓઈલ ચોરી કરતા હતા. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી સ્કૂલ કમ્પાઉન્ડમાં તેનું જોડાણ આપી ઓઈલ ચોરી કરતા હતા. પોલીસે હાલ સાતેયની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અને આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે અને અત્યારસુધીમાં ઓઇલના કેટલા જથ્થાની ચોરી કરી છે તે સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરી છે.

(7:29 pm IST)