Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અમદાવાદ: ગણેશ વિસર્જન વેળાએ પાણીમાં ડૂબતા યુવકને પીએસઆઇએ બચાવ્યો

અમદાવાદ:ગણેશ વિસર્જન સમયે નહેરુબ્રિજ નીચે રિવરફ્રન્ટ પર નદીમાં એક યુવક ડૂબી રહ્યો હતો. આ સમયે ત્યાં ફરજ બજાવતા સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીએસઆઇએ એક ક્ષણનો વિચાર કર્યા વગર પાણીમાં કૂદકો મારીને યુવકનો જીવ બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હોવાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો હતો.

રવિવારે બપોરે ગણેશ વિસર્જન વખતે રિવરફ્રન્ટ પર ભાવિક ભક્તોની ભાડે ભીડ જામી હતી. આશ્રમ રોડ પર નહેરુબ્રિજ નીચે રિવરફ્રન્ટ પર ગણેશ વિસર્જન સમયે એક યુવકનો પગ લપસતાં યુવક પાણીમાં ડૂબી રહ્યો હતો અને બચાવો બચાવોની બુમો પાડતો હતો. આ સમયે ત્યાં ફરજ પર હાજર સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.ડી. રવિયાએ નદીમાં છલાંગ મારીને યુવકને બચાવ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવીને વાડીલાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો.

(4:38 pm IST)