Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ખેડા તાલુકાના રઢુંમાં વરઘોડા બાબતે થયેલ બબાલમાં મારમારી થતા ગુનો દાખલ

ખેડા: તાલુકાના રઢુમાં ગણપતિની શોભાયાત્રા આગળ થઈ કેમ જાય છે કહી દલિત ઈસમને જાતિ વિરુદ્ઘ અપમાનજનક શબ્દો બોલી ગડદાપાટુ માર માર્યાના બનાવ અંગે ખેડા ટાઉન પોલીસ મથકમાં ચાર ઈસમો સામે એટ્રોસીટીનો ગુનો નોંધાવવામાં આવ્યો છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકા રઢુ ગામે ગઈકાલે સાંજે ગણપતિ વિસર્જનની શોભાયાત્રા ગામના રસ્તાઓ પરથી નીકળી હતી. આ દરમિયાન માધવકુમાર પરમાર વરઘોડા આગળ થઈને ઘરે જતો હતો ત્યારે જયપાલસિંહ વાઘેલાએ તું વરઘોડા આગળ થઈને કેમ નીકળ્યો તેમ કહી જાતિ વિરુદ્ઘ અપમાનજનક શબ્દો બોલવા લાગ્યો હતો. તેમજ માધવકુમાર પરમારને ગમે તેમ ગાળો બોલી ફેંટો પકડી તેમજ ગડદાપાટુ માર માર્યો હતો. 
આ બનાવ અંગે પુનમભાઈ અમરાભાઈ પરમારની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે જયપાલસિંહ મહિપતસિંહ વાઘેલા, જગદીશ કિરણસિંહ વાઘેલા, દીગુભા વાઘેલા તેમજ ભગીરથસિંહ વાઘેલા સામે એટ્રોસીટીનો ગુુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(4:37 pm IST)