Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

શ્રધ્ધાથી કરાય તે શ્રાધ્ધઃ આજથી શ્રાધ્ધ પક્ષનો પ્રારંભ

૧૬ દિવસ સુધી પિતૃઓની સ્મૃતિમાં શ્રાધ્ધ અને તર્પણ કાર્ય કરાશે

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) પિતૃઓનો પાવનપર્વ શ્રાધ્ધ પક્ષનો પ્રારંભ થયો છે. આ વર્ષે .. તિથી હોવા છતાં શ્રાધ્ધ પક્ષમાં ૧૬ દિવસ મળશે... આજે પ્રતિપદા હોવા છતાં ભાવિકો પુનમ અને પ્રતિપદાનો શ્રાધ્ધ કરી શકશે.

પિતૃઓની કૃપા મેળવવાનો અનેરો અવસર એટલે જ શ્રાધ્ધ પક્ષ... ભાદરવા સુદ પુનમથી ૧૬ દિવસ શ્રાધ્ધ પક્ષ તરીકે ઓળખાય છે.

કૃષ્ણ પક્ષમાં પિતૃઓનો વાસ છે. અને કૃષ્ણ પક્ષ પિતૃઓના ઉત્સવનું ઘર છે. આથી શ્રાધ્ધપક્ષ હંમેશા કૃષ્ણપક્ષ માંજ કરવામાં આવે છે. શાસ્ત્રોકત અનુસાર શ્રાધ્ધ પક્ષમાં પિતૃઓને તર્પણ કરવાથી પિતૃઋણમાંથી મુકિત મળે છે.

હિંદુ સંસ્કૃતિમાં પિતૃઓના શ્રાધ્ધનું ખુબ જ મહત્વ છે. પિતૃઓના મોક્ષ માટે શ્રાધ્ધ કરવામાં આવે છે. મૃત્યુ બાદ પિતૃઓને મોક્ષ મળે અને તેઓ સદ્દગતિ પામે એટલે શ્રાધ્ધ કરવામાં આવે છે.

પિતૃઓની યોનિ એવી છે કે- દૂરથી કરવામાં આવતી પુજા-સ્તુતિ સ્વીકારી લે છે. તેઓ ઋતુકાળનું જ્ઞાન ધરાવે છે. મન,બુદ્ધિ, અહંકાર અને પ્રકૃતિ સહિતના તત્વોથી તેમનું શરીર બનેલું હોય છે. તેમની અંદર સાક્ષાત પુરૂષોતમ ભગવાન રહેલા હોય છે. માટે દેવતાઓની જેમ પિતૃઓ સુગંધ તથા રસતત્વ માત્રથી તૃપ્ત થાય છે.

માર્કંડેય પુરાણમાં તો ત્યાં સુધી કહયું છે કે જે દેશમાં જે કુળમાં શ્રાધ્ધ થતુ નથી ત્યાં કુળને ઉજાડનારા, પ્રતિભાશીલ, પડકારો ઝીલનારા, દ્રઢ નિશ્ચયી, જ્ઞાની અને ઉદાર પરાક્રમી પુરૂષો જન્મ નથી લેતા. જયાં શ્રાધ્ધ થતુ નથી ત્યાં પિતૃઓ તેઓના સંતાનોનું કલ્યાણ નથી કરતા એટલે પિતૃઓની પુજા અતિ આવશ્યક છે.

જો આપની પાસે શકિતના હોય તો શ્રધ્ધાપુર્વક હાથ જોડી પાણિયારે દિવો કરી, પીપળે પાણી રેડી પિતૃઓને ભાવપુર્વક નમન-પ્રણામ કરો તો પણ પિતૃઓના આશીર્વાદ સાંપડે છે.

કહેવાય છે કે, પિતાનું શ્રાધ્ધ પણ એ કરવું જોઇએ પણ ન હોય તો તેની પત્ની કરી શકે છે. જો પત્ની ના હોય તો સગો ભાઇ કે પિતરાઇ ભાઇ પણ શ્રાધ્ધ કરી શકે છે. જમાઇ અને દોહિત્રને પણ શ્રાધ્ધ કરવાનો અધિકારી ગણાય છે.

જો આ કોઇ ના હોય તો મૃત વ્યકિતના ધન-સંપતિ દ્વારા તેેમનું શ્રાધ્ધ કરવું જોઇએ. તુલસીદાસજી તો આ અંગે ત્યાં સુધી કહે છે કે પિતૃલોકો શ્રાધ્ધથી તૃપ્ત બની લાંબુ આયુષ્ય, સંતતિ, સંતાનસુખ, ધનસંપતિ, વિદ્યા સહિતના તમામ સુખ અને યશકીર્તિ ઇત્યાદી અપાવે છે.

શ્રધ્ધાપુર્વક દૂધ, દહીં, ઘી, મધ, પકવાનો પિતૃઓને અર્પણ કરાય, કાગવાસ નાંખવો, બ્રહ્મભોજન કરાવવું તેમજ કુટુંબીજનો સાથે બેસી ભોજન લેવાથી પિતૃઓ તૃપ્ત થાય છે.

આપણા પુર્વજોનું અવસાન જે તિથીએ થયું હોય પછી ભલે તે તિથી શુકલપક્ષની હોય કે વદપક્ષની તેમની તે તિથી શ્રાધ્ધતિથી જ ગણાય છે.

શ્રાધ્ધના દિવસોમાં કુટુંબના મૃતાત્મા-પિતૃઓ પોતાની અશુભ યોનિમાંથી છુટકારો મેળવવા પોતાના કુટુંબીજનો પાસેથી આશા રાખી જોતા હોય છે. પરંતુ જો શ્રાધ્ધના દિવસોમાં પિતૃઓની ઉપેક્ષા કરવામાં આવે તો તેઓ નિરાશ થઇ જાય છે. એટલું જ નહી કયારેક ક્રોધિત પણ થઇ જાય છે. અને અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ સર્જી દે છે.

જેમ વર્ષના બાર માસો છે તેમ પવિત્ર શ્રાધ્ધ પક્ષના પણ ૧૨ પ્રકારો છે. નિત્ય શ્રાધ્ધ, નૈમિસિક શ્રાધ્ધ, કામ્ય શ્રાધ્ધ, વૃદ્ધિ શ્રાધ્ધ, શુદ્ધ અર્થ શ્રાધ્ધ, કર્માગ શ્રાધ્ધ, દૈવિક શ્રાધ્ધ, ઓૈપચારિક શ્રાધ્ધ અને સાવંત્સરિક શ્રાધ્ધ...

મરનાર વ્યકિતને ૧ વર્ષ પુરુ થયા બાદ બીજા વષેના શ્રાધ્ધ પક્ષમાં એ જ તિથીએ શ્રાધ્ધ કરવું. ચરૂલોક એટલે કે પિતૃલોકના છ અધિષ્ઠાતા યમરાજ છે. રાહુગ્રહનો પ્રતિનિધિ કાગડો ગણાય છે. અને કેતુગ્રહનો પ્રતિનિધિ કુતરો ગણાય છે. આપણે જે શ્રાધ્ધ કર્મ કરીએ છીએ તે પિંડદાન કાંગડાના માધ્યમથી પિતૃલોકમાં પહોંચે છે.

અને કદાચ આથી જ શ્રાધ્ધમાં ખીર-દુધપાક બનાવીને કાગડાને વાસ નાંખવામાં આવે છે. કહેવાય છે કે કાગડો અતૃપ્ત આત્માનું  પ્રતિક છે. જે દિવસે શ્રાધ્ધ કરાવવાનું હોય તે દિવસે પોતાના કુળની પરંપરા અનુસાર બ્રાહ્મણ દ્વારા વિધિસર તર્પણ કરાવવું પિતૃઓને વાસ નાંખી બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશકિત દાન કરવું.

શ્રાધ્ધ પક્ષનું તર્પણ અને ભોજન

બને ત્યાં સુધી બપોરે ૧૧.૩૬ થી ૧૨.૪૫ દરમ્યાન વિજય મુહુર્તમાં કરવું જોઇએ. જયેષ્ઠ પુત્રને શ્રાધ્ધ કરવાનો અધિકાર છે.

જો મૃતકના તમામ પુત્રો અલગ-અલગ રહેતા હોય તો દરેક પુત્ર એ અલગ-અલગ શ્રાધ્ધ કરવું. શ્રાધ્ધ પક્ષમાં પિતૃગાયત્રીનો જાપ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે...

'માતૃદેવો ભવઃ'...'પિતૃદેવો ભવઃ'...(૧.૧૦)

(4:16 pm IST)