Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

લાખો કર્મચારીઓને નજીવુ વેતન અને ધારાસભ્યોને પગાર વધારો શા માટે?

ધારાસભ્યોને પ્રવીણ રામનો ખુલ્લો પત્રઃ સત્યાગ્રહની ચીમકી

 ગાંધીનગર, તા., રપઃ ગિર સોમનાથ જિલ્લાના ઘૂસીયા ગિરના પ્રવીણ બી.રામ (જનઅધિકાર મંચ)ના નામથી મુખ્યમંત્રી સહીતના શાસકો અને ધારાસભ્યોને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે ધરાસભ્યના પગાર વધારી આપશ્રી એ આપની મોંઘવારીની તો ચિંતા કરી પરંતુ અત્યારે ગુજરાતના અંદાજીત ર૦ થી રપ લાખ જેટલા ફિકસ પગાર, કોન્ટ્રાકટ, આઉટસોર્સ, મધ્યાહન ભોજન, સફાઇ કર્મચારી તેમજ આશા-આશા ફેસીલેટર અને આંગણવાડી જેવા કર્મચારીઓ પણ આવા મોંઘવારીના સમયમાં ખુબ નજીવા વેતનમાં પોતાનું જીવન નિર્વાહ ચલાવવામાં મુશ્કેલી અનુભવી રહયા છે અને આ બાબતની ઘણા વર્ષોથી રજુઆતો પણ કરી રહયા છે. ત્યારે આવા મોંઘવારીના સમયમાં આ તમામ નાના કર્મચારીઓનો ધારાસભ્યોની જેમ પગાર વધારો થવો જોઇએ કે નહી? એ માટે લેખીતમાં અભિપ્રાય આપવા નમ્ર વિનંતી.

ધારાસભ્યશ્રીઓના પગાર વધારા બાદ આ નાના કર્મચારીના પગાર વધારામાં આપની સહમતી હોઇ તો આવા નાના કર્મચારીના પગાર વધારામાં શું ભુમીકા ભજવશો? એમનો પણ અભિપ્રાય આપવો. ધારાસભ્યશ્રીઓના પગાર વધારા કરી આપની મોંઘવારીની તો ચિંતા કરી પરંતુ ગુજરાતના ખેડુતો અને ગુજરાતની ૬ કરોડ જનતાને પણ મોંઘવારી નડી રહી છે ત્યારે જનતાને મોંઘવારીથી બચાવવા તમામ પ્રકારના દેવા માફ અને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવા જોઇએ કે નહી? એ માટે પણ આપનો સ્પષ્ટ અભિપ્રાય આપવો.

આ લેટરનો લેખીતમાં અમોને કઇ યોગ્ય જવાબ આપવામાં નહી આવે તો આપને ફકત આપના પગાર વધારામાં જ રસ છે પરંતુ ગુજરાતની ૬ કરોડની જનતાની મોંઘવારી નિવારવા આપને કોઇ રસ નથી એવું સમજી ૩ ઓકટોબરે ગાંધી આશ્રમ ખાતે ધારાસભ્યોના પગાર વધારાના વિરૂધ્ધમાં અને જનતાના હિતમાં ૩ દિવસના ધરણા કરી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ પત્રમાં જણાવાયું છે.

(4:03 pm IST)