Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

૧લીથી અમલી બની રહેલા ઇન્દ્રા સ્ટેટ ઇ-વે બિલની કેટલીક જોગવાઇઓ સામે વેપારીઓ-ટ્રાન્સ્પોર્ટરોનો વિરોધ

ઇન્સ્પેકટરરાજ આવશે અને વેપારીઓની હેરાનગતિ વધે તેવી ભીતિ : શહેરોમાં માત્ર મ્યુ. લીમિટમાં ઇ-વે બિલમાંથી મુકિત અપાઇ છે તે વિસ્તારવી જોઇએ

અમદાવાદ, તા. રપઃ ગુજરાતમાં ૧ ઓકટોબરથી ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે તેનો વેપાર-ઉદ્યોગ જગત, ટ્રાન્સપોર્ટરો અને નિષ્ણાતો વિરોધ કરી રહ્યા છે. રાજયમાં ૧૯ આઇટમો માટે એપ્રિલ મહિનાથી ઇ-વે બિલ અમલી છે અને અન્ય પ્રોડકટ્સમાં કોઇ મોટી કરચોરી ઝડપાઇ નથી ત્યારે સરકારે તમામ આઇટમો માટે ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે તેના કારણે ઇન્સ્પેકટર રાજ આવશે અને વેપારીઓની હેરાનગતિ વધશે એમ નિષ્ણાતો જણાવે છે. ઉપરાંત શહેરોમાં માત્ર મ્યુનિસિપલ લિમિટમાં ઇ-વે બિલમાંથી મુકિત આપવામાં આવી છે તે વિસ્તારવી જોઇએ એવી માંગ થઇ રહી છે.

રાજય સરકારે તાજેતરમાં એક નોટિફિકેશન દ્વારા જોબવર્કના હેતુસર રાજયમાં આંતરિક ટ્રાન્સપોર્ટ થતા હેન્ક, યાર્ન, ફેબ્રિકસ તથા ગાર્મેન્ટ સિવાયની તમામ આઇટમો માટે ૧ ઓકટોબરથી ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે. જોગવાઇ મુજબ રૂ. પ૦,૦૦૦થી વધારે કિંમતના તમામ માલ માટે ઇ-વે બિલ ફરજિયાત બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ, રેવન્યુ લિકેજ રોકવા માટે ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જૈમિન વસાએ જણાવ્યું હતું કે, 'ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ તમામ આઇટમો પર લાગુ કરવામાં આવ્યું છે તેમાં અનેક મુદ્દા વિશે અમે સરકારને રજૂઆત કરીશું. ખાસ તો ઇ-વે બિલમાં માલ પહોંચાડવા માટેની જે સમયમર્યાદા આપવામાં આવી છે તેના કારણે મુશ્કેલીઓ થાય તેની ચિંતા છે.'

જોકે જીએસટી નિષ્ણાત મોનીશ ભલ્લાએ જણાવ્યું હતું કે, 'કરચોરીની મહત્તમ સંભાવના ધરાવતી ૧૯ આઇટમોમાં ૧પ એપ્રિલથી જ ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત છે અને તેના સિવાયની આઇટમોમાં મોટા પાયે કરચોરી થઇ હોવાની કોઇ કિસ્સા પ્રકાશમાં આવ્યા નથી ત્યારે અચાનક રાજય સરકારે શા માટે ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે તે અસ્પષ્ટ છે. આ પગલાથી ઇન્સ્પેકટર રાજ ફરી આવશે અને વેપારીઓની હેરાનગતિ વધશે.' તેમણે કહ્યું હતું કે મોટા ભાગના રાજયોએ ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલમાંથી મુકિત આપી છે કારણ કે તે માટે જરૂરી સ્ટાફ પણ નથી. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશને પણ ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ તમામ આઇટમો માટે જરૂરી બનાવવા નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે.

એસોસિયેશનની જીએસટી કમિટીના ચેરમેન નિમેષ પટેલ જણાવ્યું હતું કે, 'ઇન્ટ્રા સિટીમાં મ્યુનિસિપલ લિમિટની અંદર જ ઇ-વે બિલમાંથી માફી આપવામાં આવી છે તે અયોગ્ય છે અને તેના વિશે રજૂઆત કરવાના છીએ કારણ કે અસલાલી કે ચાંગોદર જેવા નજીકના વિસ્તારો મ્યુનિસિપલ લિમિટમાં આવતા ના હોય તેવું પણ બની શકે. ઉપરાંત તામિલનાડુ, પંજાબ, કર્ણાટક સહિતના રાજયોમાં રૂ. ૧ લાખના માલ સુધી ઇ-વે બિલ જરૂરી નથી તેવું ગુજરાતમાં કરવું જોઇએ. ઇ-વે બિલમાં એક સ્થળેથી બીજા સ્થળે માલ પહોંચાડવા માટે જે મુદત આપવામાં આવી છે તે અયોગ્ય છે કારણ કે રજાઓના દિવસોમાં અથવા તો પૂરતા બુકીંગના અભાવે માલ મોડો પહોંચી તેવી સંભાવના રહેતી હોય છે.'તેમણે કહ્યું હતું કે રાજયમાં લગભગ ૧.પ૦ લાખ જેટલા ટ્રાન્સપોર્ટરો છે અને મોટા ભાગનાએ એનરોલમેન્ટ પણ કરાવ્યું નથી ત્યારે ૧ ઓકટોબરથી કઇ રીતે તેઓ ઇ-વે બિલ બનાવી શકશે તે મોટો પ્રશ્ન છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે, 'તમામ આઇટમો માટે ફરજિયાત ઇ-વે બિલથી નાના વેપારીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જેમના એક ટ્રક ચાલતા હોય તેમને ઘણી તકલીફ થશે. અનેક નાના વેપારીઓનો માલ એક જ ટ્રકમાં જતો હોય ત્યારે વ્યકિતગત માલ રૂ. પ૦,૦૦૦થી ઓછો હોય પરંતુ કુલ માલ રૂ. પ૦,૦૦૦થી વધારે થતો હોય ત્યારે ઇ-વે બિલ કેવી રીતે જનરેટ થશે તે સમસ્યા છે. રાજય સરકારે આ મર્યાદા વધારીને રૂ. ૧ લાખની કરવી જોઇએ.'(૮.૪)

(12:53 pm IST)
  • અમદાવાદ: સાણંદના મટોડામાં બાળકોની બાબતે જુથ અથડામણ:બે જુથ વચ્ચે સશસ્ત્ર મારામારી, : ચાર લોકો ઘાયલ: તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા:બંને પક્ષે કુલ 14 લોકો સામે ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ access_time 12:26 am IST

  • છોટા ઉદેપુર: પાવિ જેતપુર પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી તમામ બંધ હાલતમા :પોલીસ ને પૂછતા જણાવ્યું કે લગાવ્યા ત્યાર થી ચાલતા જ નથી access_time 1:20 pm IST

  • ઇન્કમટેક્સ અને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટેની મુદત 15મી ઓક્ટોબર સુધી લંબાવાઈ :વેપારીઓને રાહત આપતો સીબીટીડીની ચુકાદો access_time 8:10 pm IST