Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

સાવધાન... ગુજરાતના પુરૂષો 'જાડિયા' થઇ રહ્યા છે : મેદસ્વીતાના દરમાં ૧૪૯%નો વધારો

૧૯૯૦-ર૦૧૬ના ગાળા માટે થયેલો અભ્યાસ ચોંકાવનારોઃ ૧૯૯૦માં દર ૧૦૦ પુરૂષોએ ૪.૭ મેદસ્વી હતાં તો ર૦૧૬માં આ દર વધીને થયો ૧૧.૬ : મહિલાઓમાં પણ ટકાવારી ૧ર૧.૬% વધી

અમદાવાદ, તા. રપ : તમને ગમતું પેન્ટ અચાનક ફીટ લાગે છે ? જે સીડીઓ તમે સહેલાઇથી ફટાફટ ચડી જતા હતાં તે હવે તમને હિમાલય ચડવા જેવું લાગે છે ? તમારાઘુંટણ, નિતંબ કે પીઠમાં દુખાવો લાગે છે ? જો તમારા જવાબ હા હોય તો તમારૂ વજન વધી ગયું છે અને આ ચેતવણી રૂપ છે.

૧૯૯૦થી ર૦૧૬ના સમયગાળાને આવરી લેતો સ્થુળતા અંગેનો છેલ્લામાં છેલ્લો અભ્યાસ એવું કહે છે કે, છેલ્લા વીસ વર્ષોમાં ગુજરાતના જાડા પુરૂષોમાં ૧૪૯%નો વધારો થયો છે. જયારે મહીલાઓમાં ૧ર૧.૬%નો વધારો થયો છે.

અભ્યાસ એવું કહે છે કે ૧૯૯૦માં દર ૧૦૦ પુરૂષોએ ૪.૭ પુરૂષો સ્થુળ હતા, ર૦૧૬માં આ આંકડો વધીને ૧૧.૬ થયો છે. જયારે મહીલાઓમાં ૧૯૯૦માં દર ૧૦૦ એ ૮ મહિલાની સામે ર૦૧૬માં આંકડો ૧૭.૭ પર પહોંચ્યો છે.

લાન્સેટ અભ્યાસ દર્શાવે છે કે સ્થુળતામાં સૌથી વધારો કેરળમાં જોવા મળ્યો છે જે પુરૂષોમાં ર૧૮.૮% અને સ્ત્રીઓમાં ૧પ૯.૮% જોવા મળ્યો હતો.

પંજાબમાં ૪૦.૩ ટકા મહિલાઓ અને ૩પ ટકા પુરૂષો સ્થુળ છે. જયારે ગોવામાં ૩૭.૩ ટકા મહિલાઓ અને ૩૬.પ ટકા પુરૂષો સ્થુળ જોવા મળ્યા હતાં. ડાયાબેટોલોજીસ્ટ બંસી સાબુએ કહ્યું, 'બેઠાડુ જીવન જંક ફુડ અને સીમીત શારીરીક કાર્યશૈલીના કારણે આ સ્થુળતા આવે છે.'

સાબુએ એમ પણ જણાવ્યું કે હમણા જ ૪૦ વર્ષથી ઉપરની વ્યકિતઓ પર થયેલા એક અભ્યાસમાં ચેન્નાઇ, દિલ્હી અને કરાંચીમાં લગભગ ૪૦ ટકા લોકો સ્થુળ જોવા મળ્યા હતાં.

સાબુએ કહ્યું, 'લાન્સેટ સર્વેમાં આવેલ આંકડા ગરામ્ય અને શહેરી વિસ્તારના મળીને છે, જો ફકત શહેરી વિસ્તારના જ આંકડા લેવામાં આવે તો તે અનાથી પણ વધારે હોઇ શકે છે.'

(12:53 pm IST)