Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

હું ભાજપમાં જોડાવાનો નથી, માત્ર અફવાઓ છેઃ અલ્પેશ ઠાકોરે અટકળો પર પૂર્ણવિરામ લગાવ્યું

હું કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર છું અને રહેવાનો છું: જો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તો કોંગ્રેસના ધારાસભ્યો પાંચ વર્ષ પગાર લેશે નહીં.

અમદાવાદઃ રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવાના મામલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, હું ભાજપમાં જોડાવાનો નથી. મારા નામની માત્ર આવી અફવા ફેલાવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી આવી અફવાઓએ જોર પકડ્યું છે. ભાજપની લોકપ્રિયતા ઘટતી જાય છે, તેથી કોંગ્રેસના નેતાઓને બદનામ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

   અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે અમે સરકારની નિષ્ફળ નીતિઓ સામે આંદોલન ચલાવી રહ્યાં છીએ. સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા અને વિશ્વસનીયતા પર શંકા ઉભી કરવા માટે અફવાઓ ફેલાવી રહી છે. જે પણ વાતો ચાલે છે તે પાયા વિહોણી છે. હું કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર છું અને રહેવાનો છું.  

  અલ્પેશે કહ્યું કે, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં રહેવાનો છું. અમે કોંગ્રેસના નેતાઓ સાથે ખભે ખભા મિલાવીને કામ કરશું. પગાર વધારાનું બિલ રાજ્ય સરકાર લાવી છે તો તેમને કેમ સવાલ કરવામાં આવતા નથી. જો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તો કોંગ્રેસના ધારાસભ્યો પાંચ વર્ષ પગાર લેશે નહીં.

  આ સાથે અલ્પેશે કહ્યું કે, હું ધારાસભ્ય છું, સાંસદ થવા માંગતો નથી. મેં ચૂંટણી પહેલા નિર્ણય કરી લીધો છે. સામાન્ય અને ગરીબ લોકોનો જનાધાર મળ્યો છે. હું કોંગ્રેસના દરેક કાર્યક્રમમાં હાજર રહું છું. 

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપ દ્વારા બદનક્ષી થાય તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાજપ દ્વારા ખોટો પ્રચાર કરીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

(8:09 pm IST)