Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

કપડવંજ રેલ્વે ક્રોસિંગ પાસે કાર-ટ્રક વચ્ચે થયેલી ટક્કર

ગમખ્વાર અક્સ્માતમાં ત્રણ લોકોના મોત થયા : અક્સ્માત સર્જ્યા બાદ આરોપી ટ્રકચાલક ફરાર : અંકલઇ ગામના સભ્યો સ્મશાનયાત્રામાં હાજરી આપવા ગયા હતા

અમદાવાદ, તા.૨૫ : ખેડા જિલ્લાના કપડવંજ જીઆઇડીસી રેલ્વે ફાટક પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગંભીર ગમખ્વાર અકસ્માત થતાં કારમાં બેઠેલા ત્રણ લોકોના કરૂણ મોત નીપજયા હતા. જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અક્સ્માતમાં અન્ય ત્રણ લોકો ગંભીર હોવાથી તેમને તાત્કાલિક અરવલ્લીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસની એક ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અકસ્માતના કારણે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. ચોંકાવનારી વાત એ હતી કે, આરોપી ટ્રક ચાલક ઇકો કારનો ખુરદો બોલાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી આરોપી ટ્રકચાલકને પકડવા માટેની તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, કપડવંજના અંકલઈ ગામમાં રહેતા પરિવારના સભ્યો બાયડમાં એક સંબંધીની સ્મશાન યાત્રામાં હાજરી આપવા જઈ રહ્યા હતા. રેલ્વે ફાટક પાસે એક ટ્રક ચાલકે કારને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા અને એક પુરૂષનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ  ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અરવલ્લીની વાત્રક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જયા બાદ આરોપી ટ્રક ચાલક ફરાર થઈ જતાં હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

 

(9:47 pm IST)