Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

ક્રિકેટના મેદાન જેવી સાફ સુથરી પાટણની સરસ્‍વતી નદીમાં નવા નીર આવવા ખેડૂતોમાં ચઢી હરખની હેલી : પુજા કરી નિરના પણ વધામણા કર્યા

પાટણ :પાટણની વર્ષોથી સૂકીભઠ્ઠ રહેતી સરસ્વતી નદીમાં છેલ્લા કેટલાય સમયથી કોરીકટ છે. ઘણા સમયથી નદીમાં પાણી ન હોવાના કારણે આસપાસના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે ભારે તકલીફ પડી રહી હતી. ત્યારે ખેડૂતો દ્વારા પાણી છોડવામાં આવે તેવી રજૂઆત કરાયા બાદ આજે નદીમાં પાણી છોડાયું હતું. જેને પગલે સ્થાનિકોમાં હરખ સમાતો ન હતો.

આ વર્ષે ઉપરવાસમાં સારો વરસાદ થયો હોવાથી સુજલમ સુફલામની કેનાલમાંથી પાટણ સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવે તીવ્ર માંગ ઉઠી હતી. આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી હતી. જેને પગલે આજે ઉપરવાસમાંથી સરસ્વતી નદીમાં 70 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ સાથે જ કોરીકટ સરસ્વતી નદીમાં નવા નીર આવતા પાટણ અને સિદ્ધપુરના ધારાસભ્ય સરસ્વતી નદી ખાતે પહોંચ્યા હતા. લોકોએ નવા નીરના વધામણાં કર્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્યએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તો સાથે આ નદીમાં પાણી વહેતુ કાયમી માટે રખાય તો આસપાસના ખેડૂતોને મોટો લાભ થાય તેમ છે. તેમજ સિદ્ધપુર સરસ્વતી નદીના ચેક ડેમમાં પાણી ભરવામાં આવે તે અંગે પણ મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે.

(4:51 pm IST)