Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

દાહોદઃ માતા અને ત્રણ સંતાનો તળાવમાં ડૂબી ગયાઃ એક પછી એક ડૂબી રહેલા સંતાનોને બચાવવા જતા માતા પણ ડૂબી

દાહોદ: દાહોદ નજીક આવેલા ટાંડા ગામના તળાવમાં એક જ પરિવારના ત્રણ બાળકો અને માતા મળી ચાર વ્યક્તિઓના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાની ઘટના બની હતી. તળાવમાં એક પછી એક ડૂબી રહેલા બાળકોને બચાવવા માટે માતાએ પણ તળાવમાં ઝંપલાવ્યુ હતુ. આ ચારેવ તળાવના ઉંડાના પાણીમાં ગરકાવ થઇ જતાં ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઇ હતી. ઘટનાની જાણ થતા ગામના લોકોના ટોળેટોળા તળાવ પર ઉમટી પડ્યા હતા. સ્થાનીક રહીશોએ ચારેવ લાશને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર દાહોદ તાલુકાના ટાંડા ગામે ચારમારીયા ફળિયામાં રહેતા રેખાબેન મુકેશભાઈ પરમાર ના ત્રણ બાળકો જેમાં સચીન (ઉ.વ.૧૩), ચેતના (ઉ.વ..૧૧) અને હિમાંશુ (ઉ.વ.૮) એમ ત્રણેય બાળકો પૈકીનો એક બાળક ગામમાં આવેલ એક તળાવમાં ઉતર્યો હતો. તેને જોઇ જતાં તેની પાછળ બીજો અને બે સંતાનને બચાવવા ત્રીજુ એમ એક પછી એક ત્રણેવ તળાવમાં ઉતર્યા હતા. આ ત્રણેય બાળકો તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થતાં જતાં તેમની માતા રેખાબેને પણ સંતાનોને બચાવવા તળાવમાં ઝંપલાવ્યુ હતુ. પરંતુ તળાવના ઉંડા પાણીમાં આ ચારેય ગરકાવ થઈ જતા તમામના મોત નીપજ્યા હતા.
આ ઘટનાની જાણ મહિલાના પતિ મુકેશભાઈ રતનાભાઈ પરમારને થતાં તેઓ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓ પોતાની પત્નિ અને ત્રણ બાળકોની લાશને બહાર કાઢવા પ્રયત્નોમાં લાગી ગયા હતા. આ ઘટનાની જાણ ગ્રામજનોને પણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તેઓ મુકેશભાઈની મદદે જોતરાઈ ગયા હતા. આખરે ચારેયના મૃતદેહોને તળાવના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
 

(4:30 pm IST)