Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

અમદાવાદમાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટની સોમવારે 13મી વરસી : સૌથી ગંભીર ઘાયલ થયેલા યશ વ્યાસને હજુ સાંભળવામાં તકલીફ

70 મીનીટમાં આંતકી હુમલામાં એક પછી એક 21 બોમ્બ બ્લાસ્ટથી આખું અમદાવાદ ધણધણી ઉઠયું હતું: 56 લોકોએ જીવ ગુમાવ્યા:240 વ્યક્તિઓ ઘવાયા હતા

અમદાવાદ : આજથી 12 વર્ષ પહેલાં 26 જુલાઇ-2008ના દિવસને કોઇપણ અમદાવાદી ભાગ્યે જ ભૂલી શકશે. એ દિવસ અમદાવાદીઓ માટે કાળો દિવસ બની ગયો હતો. 70 મીનીટમાં આંતકી હુમલામાં એક પછી એક 21 બોમ્બ બ્લાસ્ટથી આખું અમદાવાદ ધણધણી ઉઠયું હતું. જેમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા તો 240 વ્યક્તિઓ ઘવાયા હતા. તે ગોઝારી ઘટનાને આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. આવતીકાલે સોમવારે તેની 13 વરસી છે.

આ 12 વર્ષના સમયગાળામાં બોંબ બ્લાસ્ટનો ભોગ બનેલાના શરીર પરના ઘા તો રૂઝાયા છે પરંતુ મનમાં પડેલાં યાતનાના ઘા હજુ રૂઝાયા નથી. આ બોંબ બ્લાસ્ટમાં સૌથી ગંભીર રીતે ઘાયલ થયેલા અસારવાના ગ્રીનસીટીમાં રહેતાં યશ વ્યાસ છે. તેને આ બોંબ બ્લાસ્ટમાં પિતા અને ભાઇ બંને ગુમાવ્યા હતા. આમ તો ઘણાં પરિવારોએ તેમના સ્વજનો ગુમાવ્યા હતા. પરંતુ યશ ગંભીર રીતે ઘવાયો હોવાથી લાંબો સમય સુધી તેની સારવાર ચાલી હતી. તેના શરીર પર અનેક ઓપરેશનો કરવામાં આવ્યા હતા.

અસારવાના ગ્રીન સીટીમાં રહેતાં દુષ્યંતભાઇ વ્યાસ બંને પુત્રો રોહન તથા યશને લઇને સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ગયા હતા. ત્યાં ચા પીવા રોકાયા હતા ત્યારે જ બોંબ બ્લાસ્ટમાં તેમને તથા તેમના મોટા પુત્ર રોહનને મોત ભરખી ગયુ હતું. જયારે નાનો દિકરો યશ ગંભીર રીતે ઘવાયો હતો. તેને બચાવવા માટે સરકારે પણ કોઇ પાછી પાની કરી ન હતી. ત્યાં સુધી કે સરકારે યશની સારવાર પાછળ 1.62 કરોડનું બિલ ચુકવ્યું હતું. છતાં હજુ તેના શરીરે ઉખડી ગયેલી ચામડી બદલવા માટે ભવિષ્યમાં પ્લાસ્ટીક સર્જરી કરાવવી પડશે.

યશ તથા તેમની માતા ગીતાબેન વ્યાસે જણાવ્યું હતું કે, વિસ્ફોટના અવાજથી તેની શ્રવણ શક્તિ ઘટી ગઇ હતી. આજે પણ તેને સાંભળવા માટે કાનના મશીનનો ઉપયોગ કરવો પડે છે. હાલ તે ટીવાયબીએસસીમાં અભ્યાસ કરે છે. એમ.એસ.સી. કરીને પ્રોફેસર થવાની ઇચ્છા છે. આમ તો તેને ક્રિક્રેટનો બહુ શોખ છે. પરંતુ કોરોનાના કારણે હાલ રેગ્યુલર પ્રેકટીસ કરી શકતો નથી. તેની સાથે ફોટો પાડવાનો પણ ઘણો શોખ છે. કયાંય પણ જાય તો તે ફોટા લેવાનું ભૂલતો નથી. એટલું જ નહીં આ ફોટા તે ફેસબુકમાં યશ બાદશાહના નામથી પોસ્ટ કરે છે.

ગીતાબેને જણાવ્યું કે, આજે પણ સરકાર અમારી સાથે છે. કાંઇપણ કામ હોય તો ગુહ મંત્રી પ્રદિપસીંહ જાડેજા સહિત અસારવા વિસ્તારના સામાજીક કાર્યકર ગુમાનસીંહ રાજપૂત તેમ જ સરકારી અધિકારીઓ મદદ કરે છે. દર વરસીના દિવસે મારા પતિ તથા પુત્રના ફોટાં સામે દિવાં પ્રગટાવીએ છીએ. અને ગાયત્રી મંદિરમાં ટિફીન સેવા માટે દાન કરીએ છીએ.

(9:00 pm IST)