Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

મેઘરાજાનું તોફાની બેટીંગ :લોધિકા અને છોટાઉદેપુરમાં 7 ઈંચ વરસાદ : જૂનાગઢમાં રસ્તાઓ બેટમાં ફેરવાયા

રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધીમાં કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના

અમદાવાદ : ગુજરાતમાં 197 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં જેમાં છોટા ઉદેપુર અને રાજકોટના લોધિકામાં 7 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાય ગયા છે. ત્યારે આજે અમદાવાદ શહેરમાં સવારથી ધીમે ધારે વરસાદી માહોલ જોવા મળ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં આગાહી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધીમાં વરસાદ કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના છે.

અમદાવાદ શહેરમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ છે. ગઈકાલે શનિવારે સાંજે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ રવિવારે સવારથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. શહેરના એસ.જી હાઈવે, બોપલ, ઈસનપુર, ઘોડાસર, વસ્ત્રાલ તથા ઓઢવ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગઈકાલે સાંજે પણ શહેરમાં મોડી સાંજે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. જેમાં સૌથી વધુ બોડકદેવ અને સાયન્સ સિટી વિસ્તારમાં બે ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. સતત અડધો કલાક સુધી પડેલા વરસાદના કારણે વિસ્તારમાં કેટલાક સ્થળો ઉપર પાણી ભરાયા હતાં.

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે, તેની વચ્ચે ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં આજે સવારથી જ મેઘરાજા મહેરબાન છે. કપરાડા અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસતા ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા જિલ્લાની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે.

વેરાવળ-સોમનાથ અને સુત્રાપાડા શહેર અને પંથકમાં આજે વહેલી સવારથી મેઘરાજાની ધીમી ધારે પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અઠવાડિયાના વિરામ બાદ વરસેલા વરસાદના પગલે જગતનો તાત ખુશખુશાલ બન્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલી મેઘસવારી અવિરત ચાલુ હોય સવારે 8 થી 10 માં વેરાવળ સોમનાથમાં વધુ એક ઈંચ મળી આજે કુલ 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુત્રાપાડામાં વઘુ એક ઈંચ પડતા કુલ 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે તાલાલામાં 16 મીમી (અડધો ઇંચ) વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં મેઘરાજા અનરાધાર બન્યા હોય તેમ બપોર બાદ સમગ્ર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં શહેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આથી રસ્તા પર ગોઠણ સમા પાણી ભરાયા છે. ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાએ હેત વરસાવતા સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જામકડોરણા પથંકમાં પવન સાથે વરસાદ પડતા જૂનાગઢ-જામનગર રોડ પર રાયડી પાસે પીપળાનું વૃક્ષ પડી જતા વાહન વ્યવહાર બંધ થતાં મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ દોડી જઈ રોડ પરથી વૃક્ષને દૂર કરી રોડ ફરી શરૂ કરાયો હતો

(8:20 pm IST)