Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

2022ની ચૂંટણીમાં તમામ બેઠકો જીતવા માટે મહિલા મોરચો સજ્જ: ડો. દિપીકાબેન સરડવા

ભાજપની પ્રદેશ મહિલા મોરચાની પ્રથમ કારોબારીની બેઠક યોજાઇ : બુથ લેવલ સુધી જઇ મહિલા મોરચાનું સંગઠનને વધુ મજબૂત બનાવવા હાકલ

અમદાવાદ : પ્રદેશ મહિલા મોરચાની કારોબારીની આજે પ્રથમ બેઠક શ્રી કમલમ ખાતે યોજાઇ હતી. આ બેઠકના પ્રારંભમાં વડાપ્રધાન મોદીના પ્રસારિત મન કી બાત કાર્યક્રમ સૌએ સાથે બેસીને સાંભળ્યો હતો. આ બેઠકને સંબોધન કરતા રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ વનાથીજી શ્રીનિવાસને જણાવ્યું કે, ગુજરાત સરકારે મહિલાઓને આર્થિક અને સામાજિક દ્દષ્ટ્રિએ મજબૂત કરવા 0 ટકાના વ્યાજે ધિરાણ આપવાનું કાર્ય કર્યું છે.

કેન્દ્ર સરકારે જે રીતે મહિલાઓના ઉત્કર્ષ માટે સતત કાર્યશીલ છે તેવી જ રીતે ગુજરાત સરકાર પણ મહિલાઓના ઉત્કર્ષ માટે નવી નવી યોજનાઓ લાવી અને મહિલાઓના જીવન ધોરણમાં સુધારો લાવવાના પ્રયત્નો કરી રહી છે. સાથે ભારતમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે અમો પણ સરકારનું ધ્યાન દોરીએ છીએ અને સરકાર તેમાં હકારાત્મક વલણ અપનાવે છે. મહિલા મોરચો બુથ લેવલ સુધી જઇ મહિલા મોરચાનું સંગઠનને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી.

પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દિપીકાબેન સરડવાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ તેની સરકારમાં માત્ર મહિલાઓને યોજનાઓના લાભ મળે તે પુરતુ જ નહીં પરંતુ મહિલાઓનું મહત્વ અને સરકારમાં મહિલાઓની ભાગીદારી વધે તે હેતુથી કેન્દ્રમાં 11 મહિલા મંત્રીઓને સ્થાન આપ્યું છે. તેની સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતુત્વમાં ગુજરાતમાં મહિલા મોરચાની બહેનો બુથ લેવલ સુધી સક્રિય છે. આગામી 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં તમામ બેઠકો જીતવા માટે મહિલા મોરચો સજ્જ છે.

પ્રદેશ અધ્યક્ષ અને મહિલા મોરચાના પ્રભારી ગોરધન ઝડફીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંગઠનમાં 50 ટકા પદોમાં મહિલાઓને સ્થાન અપાયું છે. ભાજપની મહિલાઓ દુર્ગા તથા ભવાની પણ છે. કાશ્મીરના મુદ્દાને લઇને આપણાં વડાપ્રધાન મોદીનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે. 6 વખત ગુજરાતમાં નિરંતર ભાજપની સરકાર આવી છે અને 2022માં પણ ભાજપ જંગી બહુમતીથી જીતશે. સરકારની યોજના એ એક ડેમ છે પણ કેનાલ કોણ બને તેથી આ યોજનાઓ લોકોના ઘર સુધી લઇ જવાનું કામ આપણે જ કરી શકીએ છીએ. તેમણે દરેક કાર્યકર્તા પદ કે હોદ્દા માટે જોડાતો નથી પણ કેટલાંય કાર્યકર્તા વિચાર સાથે પણ જોડાયેલો હોય છે. તેથી વિચાર સાથે જોડાયેલા કાર્યકર્તાને વધારે મહત્વ અપાયું છે.

મહિલા બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેએ ગુજરાત સરકાર દ્વારા થયેલા મહિલા ઉત્કર્ષના કાર્યો વિશે વિગતવાર માહિતી આપી હતી કે સરકારમાં 272 યોજનાઓ માત્ર મહિલાઓ માટે જ છે. જેમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ, કન્યા કેળવણી, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપ સહાય યોજના, કન્યા કેળવણી હોય કે સખી મંડળના માધ્યમથી મહિલાઓને જીરો ટકાના વ્યાજે આર્થિક સહાય આપવાનું કામ હોય જે તમામ યોજના ભાજપ સરકારે આપી છે. સાથે દિકરીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે સરકાર દ્વારા વિદેશ અભ્યાસ લોન અને કોઇ દિકરીને ડોકટર બનવું હોય તો 100 ટકા ફી સરકાર ચુકવે છે.

જયારે રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જયોતિબેન પંડયાએ મહિલાઓને સંગઠનમાં સક્રિય થવાની હાંકલ કરી હતી.  ગુજરાતના સંગઠનના એન્જિનને ચલાવનાર આપણાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પેજ સમિતિનું સૂત્ર આપ્યું છે તે મહિલા મોરચા માટે પણ ખૂબ મહત્વનું છે. દરેક પ્લેટફોર્મ પર ભાજપે મહિલાઓને માથું ઊચું કરીને ફરતા શીખવ્યું છે. રામ મંદિર હોય કે પછી 335 એની કલમ હોય દરેક સારા કાર્યો માત્ર નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારમાં જ શક્ય બન્યું છે.

રાષ્ટ્રીય મહિલા મોરચાના મહામંત્રી તૃપ્તિબેન રાવતે કહ્યું કે, આપણે સા કાર્યકર્તા સંગઠનથી જોડાયેલા છીએ. અને સંગઠનમાં અર્પણ નહીં પરંતુ સમર્પણની ભાવનાથી કામ કરવું જોઇએ. ગુજરાત મહિલા મોરચા દ્વારા વધારેમાં વધારે વુક્ષો વાવવામાં આવ્યા છે. બ્લડ કેમ્પ તેમ જ યોગ દિવસમાં 4000 જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ કહ્યું કે, સંગઠનને મજબૂત કરવા માટે દરેક મોરચાઓ કામ કરી રહ્યાં છે. તેમાં મહિલા મોરચો પણ અગ્રેસર રહી સંગઠનના કાર્યને આગળ ધપાવી રહ્યાં છે તેમ જ બુથ લેવલ સુધી મહિલા મોરચાનું સંગઠન સક્રિય બને તે માટે આહ્વવાન કહ્યું હતું.

(7:25 pm IST)