Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરતનું 'કોરોનાકાળની સત્યકથાઓ' ઇ પુસ્તકનું પૂર્વ કેન્દ્રીયમંત્રી હર્ષવર્ધનના હસ્તે વિમોચન

કોરોના કાળમાં દેશો અને રાજ્યો તેમજ સુરતની પરિસ્થિતિનો ચિતાર આ પુસ્તકમાં અપાયો છે

સુરત : રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરત દ્વારા કોરોનાકાળની સત્યકથાઓ નામના ઈ પુસ્તકનું વિમોચન પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.હર્ષવર્ધનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું લોકાર્પણ ઝૂમએપ પર યોજાયેલી ઓનલાઇન સભામાં કરાયું હોવાનું સંસ્થાના મહામંત્રી રૂપીન પચ્ચીગરે જણાવ્યું છે.

રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા કોરોના કાળની સત્યકથાઓ નામક એક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જેનું વિમોચન ભારત સરકારના પૂર્વ કેબિનેટ આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા ખાતે કરવામાં આવ્યું છે.

મહામંત્રી રૂપીન પચ્ચીગરે જણાવ્યું છે કે કોરોના કાળમાં દેશો અને રાજ્યો તેમજ સુરતની પરિસ્થિતિનો ચિતાર આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. નવસારી સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં શરૂ થયેલા ઓક્સિજન પ્લાન્ટ માટે વિદેશમાં વસતા ગુજરાતીઓ દ્વારા આપવામાં આવેલા દાન ની પ્રશંસા પણ કરી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોરોના કાળ દરમ્યાન સુરત મહાનગરપાલિકા, કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી,નોડલ અધિકારી વગેરે દ્વારા કરાયેલી કામગીરીની સવિસ્તાર ચિતાર આપતી બાબતો આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત શહેરના જાણીતા ડોક્ટર,સામાન્ય જનતા, પત્રકારો અને લેખકો ની સંવેદના પણ લેવાનો પ્રયત્ન આ પુસ્તકમાં કરવામાંઆવ્યો છે. જેમાં એક ભાગ આમંત્રિત ની અટારીથી તથા બીજો ભાગ માનવતાની મહેક છે. 89 જેટલા લેખો વિશિષ્ટ વ્યક્તિઓ પાસેથી લેવામાં આવ્યા છે. જ્યારે આમ જનતાની સંવેદનાને માનવતાની મહેક માં લેવામાં આવ્યા છે .જેની સંખ્યા 112 છે.કુલ 201 લેખ ધરાવતું આ પુસ્તકના 425 પાનાં છે.

આ પુસ્તક લોકો દ્વારા, લોકો માટે અને લોકોની યાતનાને દર્શાવતો જીવંત દસ્તાવેજ છે. આ સાહિત્ય પુસ્તક નથી. પરંતુ વાસ્તવિકતાને દર્શાવતો કોરોનાકાળનો પૂરો ઇતિહાસ છે. જેથી આજથી પચાસ વર્ષ પછી પણ વાચકોને કોરોનાના કારણે પડેલી મુશ્કેલી અને પડકારોની વિસ્તૃત માહિતી મળશે.

કોરોના સમયને સમર્પિત આ પહેલું પુસ્તક એવું હશે જે સુરતથી વિમોચન કરવામાં આવ્યું છે. આ સમય એવો છે જેને દરેકના જીવનને કોઈના કોઈ રીતે અસર કરી છે. ત્યારે તેને જીવંત રાખવા માટે આ પુસ્તક ખુબ મહત્વનું સાબિત થશે.જેમાં કોરોના સમય લોકોને પડેલી મુશ્કેલી, તબીબોના અનુભવો, લોક્ડાઉનના અનુભવો બધું જ એક પુસ્તકમાં વર્ણવી લેવામાં આવ્યું છે.

(11:54 pm IST)