Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સુરતના ડુમ્મસના દરિયા નજીક ફરવા ગયેલ શખ્સને ઓનલાઇન પેમેન્ટ કરવું ભારે પડ્યું

સુરત: સુરતના ડુમ્મસના દરિયા કિનારે દરિયા ગણેશ મંદિર પાસે પાર્ક કેટીએમ સ્પોર્ટસ બાઇક ચોરી કરનારને ટેક્નિકલ સર્વેલન્સના આધારે કોસંબા નજીક પેટ્રોલ ભરાવી ઓનલાઇન પેમેન્ટ કર્યુ હોવાનું શોધી કાઢયા બાદ બંને બેકાર મિત્રોને રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. નાનપુરાના સાંઇબાબા મંદિર નજીક રહેતો નરેન્દ્ર ભરૂચી ગત 13 જૂનના રોજ તેની મંગેતર સાથે ડુમ્મસ ફરવા ગયો હતો. જયાં દરિયા ગણેશ મંદિર સામે પાર્ક તેની રૂ. 1.50 લાખની કેટીએમ બાઇક નં. જીજે-5 કેવી-7098 ચોરી થઇ ગઇ હતી. આ ઘટનામાં ડુમ્મસ પોલીસ સ્ટેશનના પીએસઆઇ મયુરી સાંકળીયા અને હે.કો અનિલ હીલાલ અને રવિકુમાર ભુપતલાલે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત ચોરીની બાઇકમાં જિલ્લાના કોસંબા નજીક હાઇવે પરના પેટ્રોલ પંપ ઉપરથી બાઇકમાં પેટ્રોલ ભરાવી ઓનલાઇન પેમેન્ટ કર્યાનું શોધી કાઢયું હતું. જયાંથી પોલીસે મોબાઇલ નંબર મેળવી તેના લોકેશનના આધારે રાજસ્થાનમાં ધામા નાંખી જયપુર પોલીસની મદદથી અવિનાશ પવનકુમાર તુહાણીયા (ઉ.વ. 22) અને રાહુલ સુરજભાન તુહાણીયા (ઉ.વ. 23 બંને રહે. એસએફએસ સોસાયટી, સીપ્રાપથ રોડ, માનસરોવર, જયપુર, રાજસ્થાન) ને ઝડપી પાડયા હતા. ઉલ્લેખનીય છે કે બીએસ.સી બી.એડ સુધીનો અભ્યાસ કરનાર અવિનાશ અને રાહુલ બંને બેકાર છે અને તેઓ ડુમ્મસ ફરવા આવ્યા હતા. જયાં કેટીએમ સ્પોર્ટ્સ બાઇક પર નજર પડતા ગમી ગઇ હતી અને ચોરી કરીને વતન લઇ ગયા હોવાની કબૂલાત કરી હતી. 

(6:05 pm IST)