Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

અષાઢ સુદ ૨, બપોર બે કલાકે પશ્ચિમ વિસ્તારમાં મેમનગર ગુરુકુલથી નીકળનારી ભવ્ય રથયાત્રા -- ચાલતી તડામાર તૈયારી શરુઆતે ૧૦૮ બહેનો દ્વારા જગન્નાથ ભગવાનનું પૂજન કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પહિંદ વિધિથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથયાત્રા દરમ્યાન પડેલ તમામ કચરો સંતો સાથે ગુરુકુલના સ્વયંસેવકો એકઠો કરી યોગ્ય નિકાલ કરશે

અમદાવાદ :  શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે છેલ્લા ૧૫ વર્ષથી પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આ વરસે ગુરુકુલ અને પશ્ચિમ વિસ્તારની સહયોગી સંસ્થાઓના સહકાર સાથે મેમનગર ગુરુકુલથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુરુકુલના પ્રાંગણમાં ભગવાનના રથ તૈયાર કરવાની તડામાર તૈયારી ચાલી રહી છે. ગુરુકુળ પરિવારના સ્વયંસેવકો ઉપરાંત ઋષિકુમારો પણ તૈયારીમાં લાગી ગયા છે. ગોવિંદભાઇ બારસિયા અને લાલજીભાઈ પટેલ વગેરે સંચાલકો રથમાં ઓટોમેટિક સિસ્ટમ, પેઇન્ટિંગ, વગેરે વ્યવસ્થા સાંભળી રહ્યા છે.

ગુરુકુલના આદ્ય સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની 121 મી જન્મતીથિ હોવાથી રથયાત્રાના દિવસે સવારે ૭ થી ૯ દરમ્યાન મેમનગર ગુરુકુલમાં અખંડ ધૂન રાખવામાં આવેલ છે. બપોરે ૧૨ કલાકે ૧૦૮ બહેનો દ્વારા જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બલરામ ભૈયાનું પંચોપચાર પૂજન કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે.

    ૧ જુલાઇ શુક્રવારે બપોરે ૨ કલાકે મેમનગર ગુરુકુલથી રથયાત્રા નીકળી પશ્રિમ વિસ્તારમાં દર્શન દેવા પધારશે. સતત ૯ કિલોમીટરની યાત્રા બાદ ગુરુકુલમાં ૭-૩૦ કલાકે સભાના રુપમાં ફેરવાશે.

    સંપૂર્ણ પોલિસ બંદોબસ્ત સાથે આ રથયાત્રામાં એસજીવીપી ગુરુકુલના ૧૨૦૦ વિદ્યાર્થીઓ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંતો સહિત ૨૦૦ ઋષિકુમારો, મેમનગર ગુરુકુલના ૪૦૦ વિદ્યાર્થીઓ તેમજ બાપુનગર યુવક મંડળ તેમજ મેમનગર, ગોતા થી બોપલ વિસ્તારના ૨૦૦૦ ઉપરાંત ગુરુકુલ પરિવારના યુવાનો તથા કળશધારી બહેનો જોડાશે.

સામાન્ય રીતે આવી વિશાલ નગરયાત્રા દરમ્યાન પ્લાસ્ટીકની થેલીઓ, પાઉચો, નાસ્તાના કાગળિયા, પ્રસાદના ખાલી પેકેટો વગેરે કચરો ઢગલાબંધ ઉભરાતો હોય છે. રથયાત્રા  પાછળ પડેલ તમામ કચરો ગુરુકુલના સંતો સાથે સ્વયં સેવકો એકઠો કરી, યોગ્ય નિકાલ કરશે.

(12:24 pm IST)