Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ઓઢવમાં હિસ્ટ્રીશીટર વનરાજ ચાવડાની સગીરે કરી હત્યા : માતાને ગાળો દઈ ધમકી આપતા પતાવી દીધો

-સગીર મિત્રો સાથે મળી વનરાજ ચાવડાને મારવા પહોંચ્યો: ગુનાને અંજામ આપી હથિયાર પણ રસ્તામાં ફેંકી દઈ ઘરે જઈને કપડાં બદલી કપડાને સળગાવી દીધા

અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચે ઓઢવમાં થયેલી હત્યા કેસમાં એક આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિસ્ટ્રીશીટર વનરાજ ચાવડાની ઓઢવમાં હત્યા કરવામાં આવેલી. જોકે હત્યા કરનાર શખ્સ મેમ્કો બ્રિજ તરફથી મેમ્કો ચાર રસ્તા પાસે હીરાવાડી ખાતે જવાનો હોવાની ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા જ તેની પૂછપરછ હાથ ધરી હતી. બાદમાં આરોપી કાયદાના સંઘર્ષમાં હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


આરોપીએ વનરાજ ચાવડા સાથેની તકરાર અને અંગત અદાવતમાં માતા સાથે પણ ઘરે તકરાર કરી હતી. અને પોતાના મિત્રો સાથે મળી વનરાજ ચાવડાને મારવા પહોંચ્યો હતો. આ ગુનાને અંજામ આપવા તેની સાથેના મિત્રો પણ સામેલ હતા અને તીક્ષ્‍ણ હથિયાર વડે વનરાજને મારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં મુખ્ય આરોપીએ પોલીસથી બચવા હથિયાર પણ રસ્તામાં ફેંકી દઈ ઘરે જઈને કપડાં બદલી કપડાને સળગાવી દીધા હતા અને પોલીસથી બચવા સારું છુપાતો ફરતો હતો.

રાઇમબ્રાન્ચની ટીમે ચોક્કસ હકીકત મળતા સગીર વિરુદ્ધ કાયદેસરના પગલાં ભર્યા છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સગીર છે અને મૃતક સામે પણ અગાઉ ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. મૃતકે આરોપીની માતાને ગાળો બોલીને ધમકી આપી હતી, જે વાતનો ગુસ્સો કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોરને હતો, જેથી તેણે તેની હત્યા કર્યા હોવાનું સામે આવી રહ્યું છે.

જોકે હાલ તો આ વાત સામે આવી રહી છે પરંતુ ખરેખર આજ વાત ના લીધે હત્યા કરવામાં આવી છે કે, પછી અન્ય કોઈ કારણ છે તે જાણવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે આરોપી સગીર હોવાથી નિયમ પ્રમાણે પોલીસે કાર્યવાહી કરી છે, અને ઓઢવ પોલીસને સોંપવા કાર્યવાહી કરી રહી છે.

(10:16 pm IST)