Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મહીસાગર જિલ્લાના અંતરિયાળ ગામોમાં ભર ચોમાસે પાણીની તંગી સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

મહીસાગર:જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની તંગીને લીધે બૂમો પડી રહી છે. હજી જિલ્લામાં વરસાદ જામ્યો નથી ત્યાં તંત્રની બેદરકારીને લીધે અંતરિયાળ ગામોમાં રહેતા લોકોને તરસ્યા રઝળવાનો વારો આવ્યો છે. નલ સે જલની સરકારી યોજનાના નામે ગામોમાં નળ લગાવીને મહિનાઓ વીતી ગયા છતાં એક ટીપું પણ પાણી ન આવ્યું હોવાથી ગ્રામજનો રોષે ભરાયેલા છે.

મળતી માહિતી પ્રમાણે વિરપુર તાલુકામાં આવેલા આંકલીયાના મુવાડા ગામે પાણીના નળ તો પહોંચાડવામાં આવ્યા છે, પણ તે તમામ નળ શોભાના ગાંઠિયા બની ગયા હોવાની બૂમરાણ સ્થાનિકોમાં મચી છે. આ ગામની મહિલાઓએ દિવસ ઊગતાની સાથે પાણી માટે રઝળપાટ કરવો પડે છે. ગામ અને આસપાસના વિસ્તારોના ૩૩ જેટલા પરિવારોએ દરરોજ રોજિંદા વપરાશ માટેના અને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા હોવાનું જાણવા મળે છે. ૩૩ પરિવારો  નજીકમાં આવેલા એક જ હેન્ડપંપના આધારે જીવી રહ્યા છે. સવારથી સાંજ સુધી હેન્ડપંપ પર મહિલાઓ પાણી ઉલેચવા માટે લાઈનમાં ઊભેલી જોવા મળતી હોય છે. આ કારણે ગ્રામજનો રોષે ભરાયેલા જોવા મળે છે.

ગામના જાગ્રત નાગરિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે સરકાર દ્વારા અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે અને તેની જાહેરાતો કરવામાં આવે છે, પણ તેનો જમીની સ્તરે કેટલો અને કેવો અમલ થયો છે તે તપાસવું જોયું છે. ગામમાં અનેક ઘરોમાં નળ કનેક્શન કરી આપવામાં આવ્યા છે અને તેને મહિનાઓ વીતી ગયા છે. જોકે એકે નળમાં હજી સુધી એક ટિપું પણ પાણી ન પડયું હોવાનું ગ્રામજનો આક્રોશપૂર્વક જણાવે છે. ગામમાં છ મહિનાથી ગામના લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. પાણી વગર ગ્રામજનોએ કાળઝાળ ઊનાળામાં તો નરક સમાન સ્થિતિ વેઠીને પસાર કર્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

(6:02 pm IST)