Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનામાં ભરખમ વધારો: ભાટ નજીક બંગલાને નિશાન બનાવી તસ્કરોએ 18.8 લાખની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ભાટ નજીક આવેલા જર્મન વેન્યા બંગલોઝમાં તસ્કરોએ મોટો હાથ સાફ કર્યો હતો. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે બંગલા નં.૪માં રહેતાં અને ગંજીના કાપડ બનાવવાની સૈજપુર બોગામાં ફેકટરી ધરાવતાં લક્ષ્મણભાઈ નેભણદાસ ટીંડવાની ગઈરાત્રીએ જમીને મકાન અંદરથી બંધ કરીને બેડરૃમમાં સુઈ ગયા હતા. દરમ્યાનમાં આજે સવારના પાંચ વાગ્યે તેમનો પુત્ર સંદીપ તેમની પાસે આવ્યો હતો અને કહયું હતું કે બેડરૃમનો દરવાજો ખુલ્લો છે અને લાકડાના કબાટ પણ ખુલ્લા છે જેથી ચોરી થયાનું જણાતાં તેણે બેડરૃમમાં જઈને તપાસ કરતાં કબાટમાં મુકેલી લોખંડની ૪૦ કીલો વજનની ફીકસ કરેલી તીજોરી જણાઈ નહોતી. જેની અંદર સોનાના બીસ્કીટસોનાની ચેઈનસોનાના બ્રેસલેટડાયમંડની વીંટી મળી ૧૧.૮ લાખના દાગીના હતા જયારે તીજોરી બહાર મુકેલા પાકીટમાં સાત લાખ રૃપિયા રોકડા હતા. આમ ૧૮.૮ લાખની ચોરી થવા પામી હતી. જે ઘટના અંગે તેમણે તુરંત જ અડાલજ પોલીસને જાણ કરતાં ઈન્સ્પેકટર જે.એસ.સિંધવ સ્ટાફના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ડોગ સ્કવોડ તેમજ એફએસએલની મદદથી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી હતી. હાલ તો આ મામલે ચોરીનો ગુનો દાખલ કરી તસ્કરોને પકડી પાડવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધેલી ઘરફોડ ચોરીના કારણે સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

(6:01 pm IST)