Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

આણંદ જીલ્લાના ઉમરેઠમાં 1 લાખ ભરેલ પાકીટની ચીલઝડપના બનાવમાં ફરિયાદી જ આરોપી નીકળ્‍યોઃ જમીનના સોદાના 1 લાખ ન ચૂકવવા પડે તે માટે નાટક કર્યુ હતુ

આણંદ: ઘણી વખત એવી ઘટના બનતી હોય છે કે આપણે વિચારી પણ ન શકીએ. પરંતુ પોલીસની એ ખાસિયત હોય છે કે ગંભીર ગુનાહની બધી બાબતોની તપાસ કરવી અને જેમાં ક્યારેક એવી હકીકત બહાર આવે છે કે આપણા હોશ ઉડી જાય.

આ વાત છે આણંદ જીલ્લાના ઉમરેઠ વિસ્તારની ગત તા. ૨૨ જૂનના રોજ વડોદરાના રહેવાસી રશેષ ઠક્કર કે જેઓ ઉમરેઠમાં તબેલો ચલાવી પશુપાલનનો વ્યવસાય કરે છે. તેઓ ઉમરેઠ નજીક થામણા તેમના મિત્રના તમાકુના ગોડાઉને ગયા હતા. તે સમયે તેમણે એક લાખ રૂપિયા ભરેલું પાકિટ પોતાની પાસે રાખેલું હતું. તે દરમિયાન અચાનક મોટર સાઇકલ પર હેલમેટ પહેરીને આવેલો અજાણ્યો શખ્સ આચંકીને ભાગી ગયો હતો. જે અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

જેથી પોલીસે ફરિયાદી રશેષ ઠક્કરની ફરિયાદના આધારે સમગ્ર ઘટના વિશે માહિતી પ્રાપ્ત કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફંફોળતા કોઇ હેલમેટ પહેરીને મોટરસાઇકલ પર આવી રહ્યું હોવાનું દેખાયું હતું. અને ત્યાં તબેલામાં હેલમેટનું બોક્સ પણ મળી આવ્યું હતું.

જેથી પોલીસને શંકા જતાં ફરિયાદી રશેષ ઠક્કરની પૂછપરછ આદરી હતી. ત્યારે તે ભાંગી પડ્યો હતો અને તેણે સ્વિકાર્યું હતું કે આ સમગ્ર ઘટાને તેણે જ અંજામ આપ્યો હતો. રશેષ ઠક્ક્રરે જણાવ્યું હતું કે તેણે એક જમીનનો સોદો કરી ખરીદી કરી હતી જેના એક લાખ રૂપિયા ચૂકવવાના હતા. જે ચૂકવવા ન પડે તે માટે કારસો રચી લૂંટની ઘટનાનું તરખટ રચ્યું હતું.

આ ઘટનાને અંજામ આપવા રશેષ ઠક્કરે પોતાના તબેલામાં કામ કરતા પરેશ તળપદાને તેના જ મોટરસાઇકલ પર આવી ચિલઝડપ કરી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે પોલીસે બંને આરેપી રસેશ ઠક્કર અને પરેશ તળપદાને પકડી આગળની કાર્યવાહી શરુ કરી છે.

(4:47 pm IST)