Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ગુજરાતે કલાઇમેટ ચેન્જ - ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ સંવર્ધન માટેનો વાતાવરણ શુદ્ધિનો માર્ગ દેશને બતાવ્યો છે : કેટાલીટીક રીએકટર”(FCR) ટેક્નોલોજીથી સજ્જ CETPનો લાભ વટવા જી.આઇ.ડી.સી.ના 700 જેટલા ઉદ્યોગોને મળશે

રાજ્યમાં ઔદ્યોગિક ગંદા પાણી શુદ્ધિકરણના ૩પ CETP ૭પ૦ એમ.એલ.ડી ક્ષમતા સાથે કાર્યરત છે-વધુ ૧૯ કાર્યરત કરાશે : કન્વેન્શનલ ટેકનોલોજીના સ્થાને એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ સમયની માંગ છે: સૌ સાથે મળી ગ્રીન-કલીન ગુજરાતનો સંકલ્પ પાર પાડીએ : અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં ફેન્ટમ કેટાલીટીક રિએક્ટર પ્લાન”નો ઇ-શુભારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

રાજકોટ તા. ૨૫, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદની વટવા જી.આઇ.ડી.સી.માં “ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર” પ્લાન્ટના શુભારંભ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત હંમેશા પર્યાવરણ સંરક્ષણની સાથેસાથે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે સંતુલિત વિકાસની બાબતમાં અગ્રેસર રહ્યુ છે.

 હાલમાં ભારત સરકાર દ્વારા મહત્વના ૨૦ માપદંડોના આધારે રાજ્યોનું મુલ્યાંકન કરવામાં આવ્યુ જેમાં ગુજરાત પાંચ માપદંડોમાં – FDI, GDP, Exports, રોજગાર અને વોટર મેનેજમેન્ટ જેવા મુલ્યાંકનમાં સર્વશ્રેષ્ઠ છે. 

મુખ્યમંત્રીશ્રીએ વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરની નવી દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યુ હતું. 

વટવા જીઆઈડીસીમાં ગ્રીન એન્વાયરમેન્ટ કો-ઓપરેટીવ સોસાયટીએ નવી ફેન્ટમ કેટાલીટીક રીએકટર (FCR) ટેક્નોલોજીથી સજ્જ સ્થાપિત કરેલા આ CETPનો લાભ વટવા જીઆઇડીસીના લગભગ 700 જેટલા ઉદ્યોગોને મળશે અને પર્યાવરણ કાયદાના માપદંડોનુ સરળતાથી પાલન દ્વારા વટવા ઔદ્યોગિક વિસ્તાર વેસ્ટ વોટરના નિકાલ અંગેના ૧૦૦ ટકા નોર્મ્સનું પાલન કરતો વિસ્તાર બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા વિશ્વની સૌપ્રથમ એવી એમીશન ટ્રેડીંગ સ્કીમના સુરતમાં સફળતાપુર્વક અમલીકરણથી આપણે હવામાં તરતા રજક્ણો રુપી પ્રદુષકોની માત્રામાં આશરે ૨૦% જેટલો ઘટાડો કરી શક્યા છીએ. સુરત વિસ્તારમાં એમીશન ટ્રેડીંગ સ્કીમની સફળતાને ધ્યાને લઇ અમદાવાદમાં આશરે ૨૪૦ ઉદ્યોગોમાં સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જે અદ્યતન ટેક્નોલોજીથી પર્યાવરણની સુરક્ષાનું એક ઉદાહરણ છે તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ઔધોગિકરણ સાથે પ્રકૃતિ સંવર્ધન ક્ષેત્રે લેવાયેલ વિવિધ નિર્ણયો વિશે જણાવ્યુ કે, જેતપૂર, અમદાવાદ, વડોદરા, સુરત જેવા વિસ્તારોના ઊદ્યોગોના ઔદ્યોગિક ગંદા પાણીના શુદ્ધિકરણ બાદ પર્યાવરણીય રીતે સલામત સ્થળે દરીયામાં ઉંડે નિકાલ કરવા માટે પાઇપલાઇન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાઇપલાઇન પ્રોજેક્ટથી પાણીના  પ્રદુષણની સમસ્યા હલ થઇ શકશે, નદીઓના પાણીની ગુણવત્તા નોંધપાત્ર સુધારો આવશે અને ૯૨% જેટલા લઘુ ઉદ્યોગોને સીધો લાભ મળશે. 

શ્રી વિજયભાઇએ જણાવ્યું કે, ઔદ્યોગિક એકમોમાંથી ઉદભવતા ગંદાપાણીના શુદ્ધિકરણ  અને નિકાલ માટે રાજ્યમાં સંયુક્ત ગંદાપાણીના શુદ્ધિકરણ  પ્લાંટ ની વ્યવસ્થાને વેગ આપ્યો છે. હાલમાં રાજ્ય માં કુલ ૩૫ સંયુક્ત ગંદાપાણીના શુદ્ધિકરણ  પ્લાંટ કાર્યરત છે. રાજ્યમાં ૧૯ જેટલા નવા સામુહિક ગંદાપાણીના શુદ્ધિકરણ  પ્લાંટનું આયોજન કરવામાં આવેલ છે. આ શુદ્ધિકરણ  પ્લાંટમાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદીએ કહ્યું છે કે, ક્લાયમેન્ટ અને એન્વાયરમેન્ટને સુરક્ષીત રાખવા માટેનું આગોતરુ આયોજન ખુબ જ જરુરી છે. જે માટે આપણે સૌ નાગરીક જળ, હવા, અને જમીનનું સંતુલન જાળવવા માટે સંયુક્ત પ્રયાસો કરીશું તો જ આપણી આવનારી પેઢીને ઉત્તમ પર્યાવરણ તથા ભવિષ્ય આપી શકીશું. તેમ તેમણે જણાવ્યું હતું. 

આ સંદર્ભમાં પર્યાવરણ સંરક્ષણ આયોજનના ભાગરુપે ઘણા વર્ષૉ પહેલેથી જ ગુજરાતમાં ક્લાયમેન્ટ ચેંજનો અલાયદો વિભાગ શરુ કરવામાં આવેલો છે. સમય સાથે કદમ મીલાવતા વોટર મેનેજમેન્ટ, ઘરગથ્થા ગંદાપાણીનો શુધ્ધિકરણ બાદ ઉદ્યોગોમાં પુન:વપરાશ, સોલાર પોલીસી, ઇલેક્ટ્રીકલ વીહીકલ પોલીસી જેવા મહત્વના નિર્ણયો ગુજરાતે લીધા છે.  

પર્યાવરણ જાળવણી માટે વિશ્વભરમાં સૌ ચિંતિત છે અને તેના સંરક્ષણ માટે ઉદ્યોગો ક્લીનર પ્રોસેસ અને ક્લીનર ટેકનોલોજીના કન્સેપ્ટને વધુને વધુ અપનાવતા થયા છે. આપણે સૌ જાણીએ છે કે પર્યાવરણના કાયદાઓ દિન પ્રતિદિન વધુ કડક થઇ રહ્યા છે અને કુદરતી સ્ત્રોતો પણ ઓછા થઇ રહ્યા છે આવા સંજોગોમાં કન્વેન્શનલ ટેક્નોલોજીના સ્થાને એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ એ તાતી જરુરીયાત છે એમ તેમણે જણાવ્યું હતું. 

ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પોતાના મતવિસ્તારમાં દેશનો સૌ પ્રથમ વોટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટેનો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર પ્લાન્ટ પ્રસ્થાપિત થવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્લાન્ટ રાજ્યના અને દેશના અન્ય ઔધોગિક વસાહતો માટે પણ ઉદાહરણરૂપ સાબિત થશે તેવો ભાવ ગૃહરાજ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો. 

ગૃહ રાજ્યમંત્રીશ્રી એ આ પ્રસંગે ગ્રીન એન્વાયરમેનના પ્રખરી સ્વ.શંકરકાકાને હ્યદયપૂર્વક યાદ કરીને આ પ્રસંગે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ આ સંદર્ભે વિશેષમાં કહ્યું કે, વટવા જી.આઇ.ડી.સી. અને રાજ્યની અન્ય જી.આઇ.ડી.સી.ને પ્રદૂષણમુક્ત કરવા સ્વ. શંકરકાકા હરહંમેશ કાર્યરત અને સેવારત રહ્યા છે. શંકરકાકા દ્વારા લેવાયેલ અનેકવિધ પહેલના પરિણામસ્વરૂપ આજે દેશનો સૌપ્રથમ ફેન્ટમ કેટાલિસ્ટ રીએક્ટર પ્લાન્ટ વટવા જી.આઇ.ડી.સી.માં પ્રસ્થાપિત થયો છે. 

પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જી.એ.સી.એસ.સી.એલની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીશ્રીએ ઔધોગિક વિકાસ ક્ષેત્રમાં ગુજરાતે હરહંમેશ અગ્રેસર રહ્યું હોવાનું જણાવી ઔઘોગિક વિકાસની સાથે રાજ્યએ પ્રકૃતિ સંવર્ધન ક્ષેત્રે પણ અગ્રિમતા મેળવી હોવાનું કહ્યું હતું. એમ.એસ.એમ.ઇ. અંતર્ગત મહત્તમ ઉધોગો વિકાસ પામી રહ્યા છે ત્યારે આ તમામ ઉધોગ ઉત્પાદનની સાથે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે પણ કાર્યાન્વિત બને તેવો ભાવ મંત્રી શ્રી વ્યક્ત કર્યો હતો. 

ઔધોગિક વિકાસ કે આર્થિક વિકાસના મૂળમાં ટકાઉ વિકાસની ભાવના રહેવી જોઇએ જેથી આપણે આવનારી પેઢી માટે પણ વારસામાં વિકાસરૂપી વિરાસત મૂકી શકીએ તેમ મંત્રીશ્રીએ કહ્યું હતુ. 

આ લોકાર્પણમાં અમદાવાદ સાંસદ સર્વે શ્રી કિરીટભાઈ સોલંકી, એચ એસ પટેલ, વન અને પર્યાવરણ વિભાગ અધિક મુખ્ય સચિવ શ્રી અરૂણકુમાર સોલંકી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નટુભાઇ પટેલ, ગ્રીન એન્વાયરમેન્ટ કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારી અને વટવા ઔદ્યોગિક વસાહત મંડળના પદાધિકારીઓ પણ જોડાયા હતા.

(4:44 pm IST)