Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ગાંધીનગર મ્યુ.કોર્પોરેશન અને રાજકોટ જિલ્લા પંચાયતની બે બેઠકોની પેટાચૂંટણી ચોમાસા પછી

કોરોના સંપૂર્ણ ગયો નથી ત્યાં ચોમાસુ આવી ગયું: આવનારા દિવસોનો 'અભ્યાસ' ચાલુ : ગાંધીનગરમાં બે ઉમેદવારોનું અવસાન થતા બધા ઉમેદવારોને પ્રચાર માટે પૂરતા દિવસોનો લાભ મળશે

રાજકોટ તા. રપ :.. પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી તથા રાજયની સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી ચોમાસા પછી જ થાય તેવા નિર્દેષ મળે છે. જસદણ પંથકના શિવરાજપુર અને સાણથલીના ચૂંટાયેલા સભ્યનું અવસાન થતા જિલ્લા પંચાયતની આ બે બેઠકોની ચૂંટણી આવવા પાત્ર છે. કોરોના હળવો થયો છે પણ સાવ ગયો નથી અને ચોમાસુ આવી ગયુ છે તેથી આવતા બે-ત્રણ મહિના ચૂંટણી થવાની સંભાવના જાણકાર વર્તુળો નિહાળતા નથી. સામાન્ય રીતે જૂલાઇ-ઓગસ્ટમાં ચોમાસાના કારણે ચૂંટણી યોજાતી નથી.

ગાંધીનગરમાં ગઇ ૧૮ એપ્રિલે મતદાન યોજવાનું જાહેર થયેલ. તે વખતે કોરોનાએ માથુ ઉચકતા મતદાના અઠવાડીયા અગાઉ  ચંૂટણી મોકૂફ રાખવામાં આવેલ. હાલ કમિશનર હસ્તક વહીવટ છે. હવે પછીની કોરોનાની પરિસ્થિતીની સંભાવના અંગે આરોગ્ય વિભાગ સાથે ચૂંટણી પંચનો પરામર્શ ચાલુ હોવાનું ચૂંટણી પંચના વર્તુળો કહે છે. ગાંધીનગરની ચૂંટણીમાં મતદાન આડે જેટલા દિવસ બાકી હતા તેટલા જ દિવસોનો સમય  આપી ચૂંટણી કરવા પાત્ર હતી પણ થોડા સમય પહેલા આપ અને બસપાના એક - એક ઉમેદવારનું અવસાન થતા તે બન્ને પક્ષને ઉમેદવાર પસંદ કરવા અને પ્રચાર કરવા પૂરતો સમય આપવાનો થશે. આ ઘટનાના કારણે બધા ઉમેદવારોને તેના જેટલો જ પ્રચારનો સમય મળશે.

ગાંધીનગરની હદ વધતા નજીકના અમૂક ગામો કોર્પોરેશનમાં આવી ગયા છે. ત્યાં કોરોનાની તીવ્ર અસર જોવા મળેલ. આ વિસ્તારનો રાજકીય માહોલ હાલ ભાજપ માટે અનુકુળ જણાતો નથી. તેથી ભાજપ નજીકના ભવિષ્યમાં ચૂંટણી ન ઇચ્છે તે સ્વાભાવિક છે. જન્માષ્ટમી પહેલા ચૂંટણી થવાના કોઇ એંધાણ દેખાતા નથી.

(4:16 pm IST)