Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ધો. ૧૦-૧રના રીપીટર અને ગુજકેટની પરીક્ષામાં શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીનો ધમધમાટ

જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી કામગીરી શરૂ કરાઇ

રાજકોટ તા. રપઃ ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧રના રીપીટર છાત્રોની તેમજ ગુજકેટની પરીક્ષાની તૈયારી શરૂ થઇ રહી છે. જિલ્લાના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને પરીક્ષા લેવાની તૈયારી શરૂ થઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦, ધોરણ-૧રના રિપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા જુલાઇમાં લેવાનો નિર્ણય લેવાયો છે. આ માટે બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત બોર્ડ દ્વારા ગુજકેટ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. જે ૩૦ જુન સુધી ચાલશે.

બોર્ડ દ્વારા લેવાનારી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અને ગુજકેટ માટે તમામ કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્રના પરામર્શમાં રહીને હાથ ધરવામાં આવી છે. ઉપરાંત પરીક્ષાઓ નિયત સમયે કાર્યક્રમ મુજબ જ યોજાય તે માટે પણ સૂચનાઓ આપવામાં આવેલી છે. આમ, બોર્ડ દ્વારા પરીક્ષાને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. જિલ્લા મથકો પર આ અંગેની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી હોવાનું બોર્ડ દ્વારા જણાવાયું હતું.

(4:14 pm IST)