Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

શાળા -કોલેજો બંધ : સ્કૂલ બેગ ઉદ્યોગને કરોડોનું નુકસાન

બે વર્ષથી વેચાણ જ નહીં : લોકો બહાર ફરવા જવાનું ટાળતા હોવાથી લગેજ બેગ અને અન્ય બેગનું પણ વેચાણ ઠપ : બેગ મેન્યુફેકચરર્સ એસોસિએશને સરકાર સમક્ષ રાહત આપવા રજુઆત કરી

અમદાવાદ,તા. ૨૫: કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ ભારતભરમાં શાળાઓ અને કોલેજો બંધ છે. શાળા-કોલેજો બંધ હોવાને કારણે સ્કૂલ બેગનો વ્યવસાય કરતા લોકો તથા તેનું ઉત્પાદન કરતા ઉત્પાદકોને મોટુ નુકસાન થઇ રહ્યુ છે. જેને કારણે બેગ મેન્યુફેકચર્સ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ આ ઉદ્યોગને મદદ કરવા માટે રજુઆત કરવામાં આવી છે. સંગઠનની રજુઆત છે કે, ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોનાની એન્ટ્રી થતા શાળાઓ કોલેજો બંધ થઇ ગઇ હતી. ત્યારબાદ ઉનાળુ સત્રની શરૂઆત જ થઇ નહીં. આ વર્ષે પણ તેનુ પુનરાવતર્ન થતા સ્કૂલ બેગના વેપારીઓ અને સતત બે વષનો ધંધો મળ્યો નથી.

સંગઠનના અગ્રણીઓની રજુઆત છે કે, સામાન્ય સંજોગોમાં ઉનાળુ વેકેશન પુરૂ થાય અને નવું સત્ર શરૂ થાય કે અમદાવાદ ના બેગ બજારમાં એટલી ભીડ થઇ જાય કે લોકોને ઉભા રહેવાની પણ જગ્યા મળે નહીં. સ્કૂલ અને કોલેજ બેગનો ધંધો કરતા વેપારીઓને વાત કરવાનો પણ સમય મળે નહીં

આ સ્થિતીને બદલે છેલ્લા બે વર્ષથી બેગના વેપારીઓને એક પણ ગ્રાહક મળતો નથી તેવો ઘાટ થયો છે. એટલુ  જ નહીં, પરંતુ ઉનાળુ અને દીવાળી વેકેશનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા જતા હોવાથી તેના માટે પણ બેગની ખરીદી કરતા હોય છે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લોકોએ ફરવા જવાનું પણ બંધ કર્યું હોવાનથી તેની ઘરાકીનો લાભ બેગના વેપારીઓને મળતો નથી.

બેગના ઉત્પાદકોએ ગત વર્ષે માર્ચ મહિનાથી નવા સત્ર માટેનો સ્ટોક તૈયાર કરી દીધો હતો. જે વેચયા વિના પડી રહ્યા છે અથવા તો ખરાબ થઇ ગયો છે. જેના કારણે પણ વ્યાપારીઓને મોટુ આર્થિક નુકશાન થયું છે. કરોડોનું ટર્નઓવર કરતા ઉદ્યોગ માટે સરકારે કેટલીક રાહત -સહાય આપવા માટે સંગઠન દ્વારા રજુઆત કરવામાં આવી છે.

સંગઠનની માંગણીઓ અને રજુઆત

. સરકાર, સ્કૂલબેગ્સના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓને પ્રોપર્ટી ટેકસ તથા પ્રોફેશનલ ટેકસના ભારણમાં મુકિત આપે

. સરકાર કોઇ યોજના મારફતે રાહત વ્યાજદરે વર્કિંગ કેપિટલ લોન તથા સ્ટોક પર લોન પ્રોવાઇડ કરે

. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને બેગ્સમાં લાગતા જીએસટી દરને થોડોક સમય માટે પણ ઘટાડવા માટે ભલામણ કરે.

. એસોસિએશન લેવલે વેપારીઓ અને કારીગર વર્ગ માટે ધિરાણ કરવા નિધિ બેન્ક કે બચત માટે માર્ગદર્શન અને પરવાનગી આપે.

. એસ.એસ.એમ.ઇ ને મળતા બધા જ બેનીફિટ માઇક્રો લેવલે કાર્ય કરતા બેગ્સ ઉત્પાદકો સુધી પહોંચી શકે એ માટે રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી નોડલ ઓફિસરની નિમણૂક કરે

(10:17 am IST)